: ૨૨ : આત્મધર્મ : માગશર : ૨૫૦૧
સર્વજ્ઞ મહાવીરનો ઈષ્ટઉપદેશ
ભગવાન સર્વજ્ઞે જગતના જડ–ચેતન બધા પદાર્થોને ઉત્પાદ–વ્યય–ધ્રુવસ્વરૂપ
જોયા છે. કોઈપણ સત્વસ્તુ ઉત્પાદ–વ્યય–ધ્રુવતા એવા ત્રણે ભાવસ્વરૂપ એકસાથે વર્તે
છે. આત્મા હો કે જડ હો–તે દરેક વસ્તુ સ્વયમેવ ઉત્પાદ–વ્યય–ધ્રુવતારૂપ છે, તેમાં અન્ય
કોઈની અપેક્ષા નથી.
સમ્યક્ત્વાદિ કોઈપણ વર્તમાન ભાવનો ઉત્પાદ, તે જ વખતે પૂર્વના મિથ્યાત્વાદિ
ભાવનો વ્યય, અને તે જ વખતે જીવત્વ વગેરે સ્વભાવભાવની ધ્રુવતા,–એમ એક જ
સમયમાં જીવને ઉત્પાદ–વ્યય–ધ્રુવ વર્તે છે; અને એ રીતે ત્રણે કાળના પ્રવાહમાં તે
પોતાના ઉત્પાદ–વ્યય–ધ્રુવસ્વરૂપે જ રહેલ છે.
અહા, એક જ સમયમાં ઉત્પાદ–વ્યય–ધ્રુવતાનું હોવાપણું, અને તે બીજા કોઈના
કર્યાં વગર,–આવું સૂક્ષ્મ વસ્તુસ્વરૂપ સર્વજ્ઞ વિના કોઈ જાણી શકે નહિ. તેથી મહાન
સ્તુતિકાર સમંતભદ્રસ્વામી સર્વજ્ઞની સ્તુતિ કરતાં કહે છે કે અહો જિનદેવ! જગતના
બધા પદાર્થો સમયેસમયે ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપ છે, એવું આપનું કથન તે જ આપની
સર્વજ્ઞતાની નિશાની છે.
આવું વસ્તુસ્વરૂપ સર્વજ્ઞ સિવાય કોઈ જાણી શકે નહિ, કહી શકે નહિ, ને
સર્વજ્ઞના ભક્ત સિવાય બીજા કોઈ એ વાત ઝીલી શકે નહિ.–અહો, સર્વજ્ઞદેવ! આપનું
અનેકાન્ત–શાસન જગતમાં અજોડ છે.
કોઈ પણ સમયે કોઈ પણ વસ્તુમાં એમ નથી બનતું કે તેના ઉત્પાદ–વ્યય–ધ્રુવ
તેનામાં ન હોય. વસ્તુ પ્રત્યેક સમયે પોતાના ઉત્પાદ–વ્યય–ધ્રુવસ્વરૂપ પોતાના
સદ્ભાવમાં જ વર્તે છે; તેને તે કદી છોડતી નથી.
અહો, મારા ઉત્પાદ–વ્યય–ધ્રુવ જુદા નથી, તેમ જ કોઈ બીજાને લીધે નથી. મારું
સત્પણું મારા ઉત્પાદ–વ્યય–ધ્રુવમાં છે.