Atmadharma magazine - Ank 376
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 47

background image
: મહા : ૨૫૦૧ આત્મધર્મ : ૧૩ :
હે ભાઈ! મિથ્યાત્વનું આકરું ફળ છે, એમ જાણીને તું તે મિથ્યાત્વનું સેવન છોડી
દે, ને આત્માનું સ્વરૂપ સમજ–જેથી તારું હિત થાય. આમ હિત માટે જ જ્ઞાનીનો
ઉપદેશ છે.
જે જીવો સત્ય સમજે તેની બલિહારી છે...તેના સંસારનો એક–બે ભવમાં અંત
આવી જશે.
આત્માનો પરિપૂર્ણ આનંદ જેમને પ્રગટી ગયો છે તે પરમાત્મા છે. તે પરમાત્મા
પરિપૂર્ણ જ્ઞાનસહિત છે; અનાદિ અનંત કાળને જેમ છે તેમ પોતાના દિવ્યજ્ઞાનમાં પ્રત્યક્ષ
જાણે છે. જેનો ક્યાંય છેડો નથી એવા અનંત અલોકાકાશને પણ પ્રત્યક્ષપણે પરિપૂર્ણ
જાણે છે, એવું જ દિવ્યજ્ઞાનનું કોઈ અચિંત્ય સામર્થ્ય છે. જ્ઞાને અનાદિઅનંત આકાશને
પ્રત્યક્ષ જાણી લીધું માટે જ્ઞાનમાં તેનો છેડો આવી ગયો–એમ કાંઈ નથી; જો છેડો આવી
જાય તો અનાદિ–અનંતપણું ક્્યાં રહ્યું? માટે જ્ઞાને તો અનાદિઅનંતને
અનાદિઅનંતરૂપે જ જેમ છે તેમ જાણ્યું છે.–આ જ્ઞાનનો કોઈ અચિંત્ય મહિમા છે.
અજ્ઞાનીને અનાદિઅનંત કાળની મહાનતા ભાસે છે, પણ જ્ઞાનસામર્થ્યમાં તેના કરતાં
અનંતગણી મહાનતા છે–તે તેને ભાસતી નથી; અને જ્ઞાનસ્વભાવનો મહિમા પ્રતીતમાં
આવ્યા વગર આ વાતનું કોઈ રીતે સમાધાન થાય તેમ નથી. કાળનું અનાદિઅનંતપણું
તેને મોટું લાગે છે પણ જ્ઞાનનું અનંત સામર્થ્ય તેને મોટું નથી લાગતું, એટલે જ
‘અનાદિઅનંતને જ્ઞાન કઈ રીતે જાણે? ’ એમ તેને શંકા પડે છે; તેમાં ખરેખર તો
જ્ઞાનસામર્થ્યની જ શંકા છે. કાળના અનાદિઅનંતપણા કરતાં જ્ઞાનસામર્થ્ય મોટું છે–એમ
જો વિશ્વાસ આવે તો જ, તેને અનાદિઅનંતનું જ્ઞાન કઈ રીતે થાય છે તે ખ્યાલમાં આવે.
અહા! અચિંત્ય જ્ઞાનસામર્થ્યમાં અનાદિઅનંતકાળ તો ક્્યાંય સમાઈ જાય છે, ને કાળ
કરતાંય અનંતગણું આકાશ પણ તેમાં પરિપૂર્ણ જણાઈ જાય છે. આવું મહાન જ્ઞાન અને
અતીન્દ્રિય આનંદ જેમને પરિપૂર્ણ પ્રગટી ગયા છે એવા પરમાત્માને ઓળખતાં અપૂર્વ
ભેદજ્ઞાન અને શુદ્ધાત્મઅનુભૂતિ થાય છે.
સર્વજ્ઞની સ્તુતિ કરતાં સાધક કહે છે કે હે અરિહંત પરમાત્મા! આપ પોતે
મોક્ષમાર્ગની વિધિ (અર્થાત્ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર) ને ધારણ કરીને મુક્તિ પામ્યા
ને બીજા જીવોને પણ તે મુક્તિમાર્ગનું વિધાન કર્યું તેથી આપ જ અમારા વિધાતા છો;
અમને મોક્ષમાર્ગમાં દોરી જનારા નેતા પણ આપ છો. (–મોક્ષ માર્ગસ્ય નેતારં...)