Atmadharma magazine - Ank 376
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 47

background image
: મહા : ૨૫૦૧ આત્મધર્મ : ૧૯ :
પ્રભુ આજ્ઞાએ થાશું નિજસ્વરૂપ જો...
–આ રીતે આનંદપૂર્વક ગુરુદેવ સાથે ગીરનાર સિદ્ધિધામની યાત્રા કરીને સૌ
પહેલી ટૂંક તરફ પાછા ફર્યા.....વચ્ચે ચોથી ટૂંક (કે જ્યાંથી કૃષ્ણપુત્ર પ્રદ્યુમ્નસ્વામી મોક્ષ
પામ્યા છે ને જ્યાં તેમના ચરણચિહ્ન તથા મૂર્તિ પર્વતની શિલામાં કોતરેલા છે) તેના
દૂરથી દર્શન કર્યા; ત્રીજી ટૂંકે પણ કૃષ્ણપુત્ર શંબુસ્વામી વગેરે મુનિવરો મોક્ષ પામ્યા છે
તેમના ચરણોના દર્શન કર્યા. આ ઉપરાંત અંબાજીના મંદિરનું અવલોકન કર્યું; કેમકે
પ્રાચીન ઈતિહાસ અનુસાર કુંદકુંદસ્વામી જ્યારે ગીરનારજીની યાત્રાએ પધાર્યા અને
શ્વેતામ્બરો સાથે મોટી ચર્ચા થઈ ત્યારે, આ મંદિરનાં સ્થાને અંબાદેવીએ દિગંબર
જૈનધર્મની સત્યતાની સાક્ષી પૂરેલી...તેથી તે ઐતિહાસિક–સ્થળનું અવલોકન કરતાં
કુંદકુંદસ્વામીના મહાન પ્રભાવનાં સુસ્મરણો તાજા થતા હતા.
આમ તીર્થંકરો–સંત મુનિવરોનાં સ્મરણો તાજા કરતાં કરતાં ને તેમના પુનિત
ચરણોને પ્રણામ કરતાં કરતાં યાત્રા કરીને પહેલી ટૂંકે પાછા આવ્યા. અને પૂ. બેનશ્રીબેને
ઉમંગભરી ભક્તિ દ્વારા ગુરુદેવ સાથેની યાત્રાનો ઉલ્લાસ વ્યક્ત કર્યો.
અહીં મહાન શ્રુતધર શ્રી ધરસેનાચાર્યદેવ જ્યાં ધ્યાન કરતા હતા, અને જ્યાં
પુષ્પદંત–ભૂતબલિ મુનિવરોને ષટ્ખંડાગમનું જ્ઞાન આપ્યું હતું, તે ચંદ્રગૂફા પહેલી ટૂંકે
દિગંબર જિનમંદિરની પાછળ થોડે દૂર આવેલી છે; આ ગૂફાનું સ્થાન ઘણું શાંત–સુંદર
રળિયામણું છે, તેમાં બે ખંડ છે. એક ખંડમાં ઘણા પ્રાચીન ચરણપાદુકા (જે ઘણું કરીને
ધરસેનમુનિના હોવા જોઈએ તે) જર્જરિત દશામાં પડ્યા છે. ગૂફામાં બેઠા–બેઠા એક
નાનીશી બારીમાંથી ગીરનારનો ભવ્ય દેદાર નજરે પડે છે...ને પુદ્ગલના આ
ડુંગરાઓથી જુદો હું તો મારી ચૈતન્યગૂફામાં બિરાજું છું–એમ જગતથી જુદા ચૈતન્યની
ભાવનાઓ જગાડે છે. પૂ. ગુરુદેવ વગેરે સં. ૧૯૯૬ માં આ ગૂફા જોવા પધાર્યા હતા;
આ વખતે પણ તેઓને આ ગૂફા જોવા જવાનું મન હતું, પરંતુ ગૂફા સુધી જવાનો માર્ગ
ઘણો જ વિકટ હોવાથી જવાનું બની શક્્યું ન હતું, પણ બ્ર. હરિભાઈ, બ્ર. ચંદુભાઈ
વગેરે કેટલાક ભાઈઓ ત્યાં ગયા હતા. મુંબઈના ફોટોગ્રાફર શ્રી પુનમભાઈ શેઠે આ
ચંદ્રગૂફાની તથા તેમાં બિરાજમાન ચરણપાદુકાની ફિલ્મ પણ લીધેલી છે.
આ યાત્રાના પવિત્ર સ્મરણો નિમિત્તે ‘સુવર્ણ સન્દેશ’ માટે હસ્તાક્ષરની વિનંતિ
કરતાં ગુરુદેવે ભાવભીના હસ્તાક્ષરો લખી આપ્યા...ગીરનાર ઉપર બેઠાબેઠા ગુરુદેવે
લખેલા એ પાવન હસ્તાક્ષર આત્મધર્મ ગતાંકમાં આપવામાં આવ્યા છે.