: મહા : ૨૫૦૧ આત્મધર્મ : ૨૧ :
જિનશાસનના અનેકાન્તઅનુસાર
આત્માના અસ્તિત્વના નિર્ણયમાં આવતી ગંભીરતા
[સોનગઢ–પોષ સુદ સાતમના રોજ સુરેન્દ્રનગરના ભાઈશ્રી ત્રંબકલાલ હિંમતલાલ શાહના
મકાન “સંત–સમીર” ના વાસ્તુ પ્રસંગે પ્રવચનમાંથી (પ્રવ. ગા. ૧૧૫)]
જે પોતાના આનંદને સાધવા માંગે છે તે પહેલાંં સુખસ્વરૂપ
એવા પોતાના આત્માના અસ્તિત્વને જાણે છે; આત્માનું અસ્તિત્વ ક્યા
સ્વરૂપે છે? ને બીજા ક્યા પદાર્થો છે કે જેમના સ્વરૂપે આ આત્માનું
અસ્તિત્વ નથી ? એમ અસ્તિ–નાસ્તિ વગેરે સ્વભાવોથી આત્માના
સ્વરૂપનો નિશ્ચય કરીને, સ્વઘરમાં વાસ કરતાં અપૂર્વ શાંતિ થાય છે.
આત્મા ‘છે’ તે પોતાના જ્ઞાન–આનંદસ્વરૂપે ‘સત્ છે’; પણ શરીરાદિ અચેતન–
સ્વરૂપે ‘નથી’ ,. આમ અસ્તિ–નાસ્તિરૂપ અનેકાન્તસ્વભાવથી આત્માના સ્વરૂપનો
નિશ્ચય થાય છે.
સૂક્ષ્મતાથી અંદરમાં જોઈએ તો, ચૈતન્યભાવની અસ્તિમાં રાગની નાસ્તિ છે.
ચૈતન્યભાવ ચૈતન્યસ્વરૂપે છે, ને ચૈતન્યભાવ રાગરૂપે નથી; ચૈતન્યના ભાવમાં
રાગભાવના કોઈપણ અંશને જે ભેળવે તેને ચૈતન્યસ્વરૂપનો સાચો સ્વાદ આવતો નથી,
ચૈતન્યનું સાચું સ્વરૂપ તેને જાણવામાં આવતું નથી.
* જેમ ચેતન તે જડરૂપ નથી એટલે ચેતનપણે જેનું અસ્તિત્વ છે તે જ જડપણે
નાસ્તિરૂપ છે, એમ અસ્તિ–નાસ્તિરૂપ અનેકાન્ત સ્વયમેવ પ્રકાશે છે.
* તેમ ચેતનભાવ તે રાગરૂપ નથી, એટલે ચેતનની અનુભૂતિ તે રાગની અનુભૂતિ
નથી; ચેતનભાવરૂપે પોતાનું અસ્તિત્વ જેને ભાસે છે તે રાગપણે પોતાના
ચૈતન્યભાવને નાસ્તિરૂપ વેદે છે,–આ રીતે અસ્તિ–નાસ્તિસ્વરૂપે ચૈતન્યઅનુભૂતિ
સ્વયમેવ પ્રકાશે છે.