: મહા : ૨૫૦૧ આત્મધર્મ : ૨૩ :
અમૃતનો અનુભવ થયો. આનું નામ અનેકાન્ત! આ તીર્થંકરોનું શાસન! ને આ જ
સર્વજ્ઞદેવનો ઈષ્ટ ઉપદેશ.
જૈનશાસન અનુસાર અનેકાંતમય વસ્તુસ્વરૂપના એક પણ બોલનો નિર્ણય કરે
તો એકાંતવાદરૂપ મોહનો નાશ થઈને અમૃત ઝર્યા વગર રહે નહિ.
અનંત ગુણ વાળી વસ્તુ છે; તેમાંથી એક પણ બોલનો સાચો નિશ્ચય કરે ત્યાં
અનંતગુણ તેમાં સમાઈ જાય છે. અનંતગુણમાંથી એક ગુણ જુદો પાડીને અનુભવમાં
આવતો નથી. કોઈપણ ગુણ દ્વારા અભેદરૂપ વસ્તુને લક્ષગત કરતાં તેના અતીન્દ્રિય
આનંદનો સ્વાદ આવે છે, ત્યાં મિથ્યાત્વનું ઝેર ઊતરી જાય છે.
આત્મા સ્યાત્ અસ્તિરૂપ છે; તે ‘અસ્તિત્વ’ માં અનંતગુણોનું સ્વરૂપ સમાયેલું
છે. દ્રવ્ય–ગુણ–પર્યાય, ઉત્પાદ–વ્યય–ધ્રુવ, જ્ઞાન–આનંદ વગેરે બધુંય ‘હું સ્વરૂપે અસ્તિ
છું. ’ એમાં આવી જાય છે; પોતાના સ્વભાવનો કોઈ અંશ પોતાના અસ્તિત્વથી બહાર
રહી જતો નથી; ને પર ચીજનો કોઈ અંશ પોતાના અસ્તિત્વમાં આવી
જતો નથી.
‘હું આત્મા છું’–એમ અસ્તિના સ્વીકારપૂર્વક સપ્તભંગીના બાકીના ભંગો
સમજાય છે. આત્મા ‘નથી’–એમ કહેતાં પણ નાસ્તિત્વ ધર્મવાળા આત્માનો સ્વીકાર
આવી જ જાય છે. એક વસ્તુ અમુક જગ્યાએ કે અમુક સ્વરૂપે નથી એમ તેનું
‘નાસ્તિત્વ’ કહેતાં જ તે વસ્તુ બીજી જગ્યાએ કે બીજા સ્વરૂપે વિદ્યમાન છે–એમ તેના
અસ્તિત્વનો સ્વીકાર પણ આવી જ જાય છે. જેણે ચેતનસ્વરૂપે આત્મા જોયો હોય તે
તેનો નિષેધ કરી શકે કે ‘આ શરીર છે તે આત્મા નથી. ’ આ રીતે સ્વ–રૂપે અસ્તિના
સ્વીકારપૂર્વક જ પરરૂપે તેની નાસ્તિ કહી શકાય છે.
અહો! જૈનશાસનની અનેકાન્ત–શૈલિ! તે વસ્તુના સ્વરૂપને અત્યંત સ્પષ્ટ
સમજાવે છે. નવતત્ત્વમાંથી એક તત્ત્વનો સાચો નિર્ણય કરવા જાય ત્યાં બધાય તત્ત્વનો
સ્વીકાર તેમાં આવી જ જાય છે. જડને જડરૂપે જાણવા જાય ત્યાં ચેતનસ્વરૂપ આત્મા
તેનાથી જુદો છે–એવું જ્ઞાન પણ તેમાં ભેગું આવી જ જાય છે. ચેતનના જ્ઞાન વગર
જડનું જ્ઞાન પણ સાચું થાય નહિ. એક ‘સત્’ આત્મામાં દ્રવ્ય–ગુણ–પર્યાય બધુંય સમાઈ
જાય છે, તેમજ પરથી નાસ્તિત્વરૂપ ધર્મ પણ તેમાં જ સમાઈ જાય છે.
અહો, સાધકના અનેકાંતમય શ્રુતજ્ઞાનની કોઈ બલિહારી છે કે વસ્તુમાં રહેલા
અનંતધર્મોને બધાને તે એક સાથે સ્વીકારીને વસ્તુના સ્વરૂપનો નિર્ણય કરી લ્યે છે.