: મહા : ૨૫૦૧ આત્મધર્મ : ૨૫ :
ત્રણે કાળે મોક્ષનો ઉપાય ભેદજ્ઞાન છે,
તેના વડે જ વિષયોનો દાહ બુઝાય છે.
[છહઢાળા–પ્રવચનમાંથી: અંક ૩૭૫ થી ચાલુ]
જીવને સમ્યગ્જ્ઞાન જ પરમ સુખનું કારણ છે, જન્મ–મરણનો રોગ મટાડનાર તે
અમૃત છે. તેના વગર સંસારમાં બીજું કોઈ શરણરૂપ નથી, માટે કરોડો ઉપાય વડે પણ
આવું સમ્યગ્જ્ઞાન પ્રગટ કરો. ત્રણે કાળે મોક્ષનો ઉપાય સમ્યગ્જ્ઞાન જ છે–એમ કહીને તે
સમ્યગ્જ્ઞાનનો વિશેષ મહિમા સમજાવે છે–
જે પૂરવ શિવ ગયે, જાહિં, અરુ આગે જૈહૈં।
સો સબ મહિમા જ્ઞાનતની મુનિનાથ કહૈં હૈં।।
વિષયચાહ દવ–દાહ જગતજન અરણિ દઝાવે।
તાસ ઉપાય ન આન જ્ઞાનઘનધાન બુઝાવે ।।૮।।
જે અનંતા જીવો પૂર્વે મોક્ષમાં ગયા છે, અત્યારે જાય છે અને ભવિષ્યમાં જશે–તે
બધો સમ્યગ્જ્ઞાનનો જ મહિમા છે–એમ મુનિનાથ કહે છે. જેમ આગ અરણીના જંગલને
બાળ નાંખે તેમ વિષયોની ચાહનારૂપી ભયંકર દાવાનળ સંસારી જીવોને બાળી રહ્યો છે,
તેને આ જ્ઞાનરૂપી મેઘધારા જ બુઝાવીને શાંત કરે છે; જ્ઞાન સિવાય બીજો કોઈ તેનો
ઉપાય નથી.
આત્માના સાચા જ્ઞાનવડે ચૈતન્યસુખનો અનુભવ જ્યાં સુધી ન થાય ત્યાંસુધી
શુભ કે અશુભ પરવિષયોમાં સુખબુદ્ધિ રહ્યા જ કરે એટલે વિષયોની ચાહનાની
બળતરામાં જીવ બળ્યા જ કરે, દુઃખી થયા જ કરે. પણ સ્વ–પરની ભિન્નતા જાણીને
જ્યાં આત્માનું સમ્યક્જ્ઞાન થયું ત્યાં ચૈતન્યસમુદ્રની અગાધશાંતિ પોતામાં દેખી,
વિષયોથી પાર સુખ પોતામાં દેખ્યું. તે અપૂર્વ ચૈતન્યરસની ધારા વડે વિષયોની
ચાહ છૂટી જાય છે; સમ્યગ્જ્ઞાન થતાં આત્મા સિવાય બીજા કોઈ વિષયોમાં સુખબુદ્ધિ
રહેતી નથી.