: મહા : ૨૫૦૧ આત્મધર્મ : ૨૭ :
વીતરાગ મુનિઓની કે અરિહંતોની આજ્ઞા માની નથી બાપુ! મોક્ષમાર્ગમાં અમે
શુભરાગની પ્રશંસા નથી કરતા, અમે તો વીતરાગી જ્ઞાનની જ પ્રશંસા કરીએ છીએ.
ચોથા ગુણસ્થાને જે સમ્યગ્જ્ઞાન છે તે પણ રાગથી ભિન્ન હોવાથી વીતરાગી જ છે.–આ
સમ્યગ્જ્ઞાનનો મહિમા તો જાણે નહિ ને બહારમાં શુભરાગનો મહિમા કરીને તેમાં
એકાકાર રહે તેવા જીવોએ ભગવાન અરિહંતના માર્ગને જાણ્યો નથી, મુનિઓએ તે
ઓળખતો નથી, ને મુક્તિમાર્ગને પણ તે જાણતો નથી, ભાઈ! મુક્તિના મારગડા અંદર
ચૈતન્યના સ્વભાવમાંથી આવે છે, રાગમાંથી નથી આવતા.
આત્માના સાચા જ્ઞાન વગર રાગની મીઠાશ છૂટે નહિ ને વિષયોની ચાહરૂપી
આગ બુઝાય નહીં. જ્યાં ચૈતન્યની શાંતિરૂપ મેઘજળ નથી ત્યાં વિષયોમાં બળતા
જીવોની આગ ક્યાંથી બુઝાય? બાપુ! આત્માને ભૂલીને તું સંસારમાં રાગની આગમાં
બળી રહ્યો છો, [राग आग दहे सदा, तातें समामृत सेवोए] શુભ કે અશુભ રાગ તે
આગ છે, તેમાં તું સદા બળી રહ્યો છો, માટે જ્ઞાનરૂપી અમૃતનું સીંચન કરીને તેને શાંત
કર. બીજા કોઈ ઉપાયે તે બુઝાય તેમ નથી. જ્ઞાનવડે અંતરમાં ઊતરીને ચૈતન્યની
શાંતિના સમુદ્રમાં ડુબકી માર, તો બાહ્યવિષયોની ચાહના મટી જશે ને તને પરમ
શાંતિનું વેદન થશે. મહા શાંતિનો સાગર ચૈતન્ય–આત્મા છે, તેના શાંતરસના સીંચન
વડે વિષયોની આગ બુઝાઈ જશે ને ચૈતન્યની પરમ શાંતિ તને અનુભવાશે. માટે તું
સમ્યગ્જ્ઞાનની આરાધના કર.
અહીં આત્માના સમ્યગ્જ્ઞાનનો મહિમા બતાવીને તેની આરાધના કરવાનું કહે છે.
–કોણ કહે છે? મુનિઓના નાથ કહે છે, એટલે કે જિનેન્દ્રદેવ અને ગણધરદેવ આ
સમ્યગ્જ્ઞાનનો મહિમા કહે છે. હે ભવ્ય જીવો! ભેદજ્ઞાનવડે જ કલ્યાણ સધાય છે, માટે
તમે કરોડો ઉપાય વડે પણ આત્માને જાણીને સમ્યગ્જ્ઞાન પ્રગટ કરો.
* સૌએ સાધવા જેવો એક મંત્ર *
ગૃહસ્થોને વિધવિધ પ્રકૃતિવાળા અનેક માણસોના પરિવાર વચ્ચે રહેવાનું હોય
છે, અને છતાં પરિવારમાં સ્નેહ–શાંતિ–પ્રેમ રહ્યા કરે તે જોવાનું હોય છે. તો તે કઈ રીતે
રહી શકે? તેનો એક મંત્ર જાણવા જેવો છે.
એક સદ્ગૃહસ્થ સેંકડો માણસોના પરિવાર વચ્ચે રહેતા હતા; વિધવિધ પ્રકૃતિના
નાના–મોટા માણસોમાં રોજરોજ અવનવા પ્રસંગો બનતા, છતાં પરિવારમાં સર્વત્ર
શાંતિનું વાતાવરણ રહેતું હતું–આ કારણે એ પરિવારની પ્રશંસાની સૌરભ સર્વત્ર પ્રસરી
ગઈ હતી.