: ૨૮ : આત્મધર્મ : મહા : ૨૫૦૧
હવે બીજા એક પરિવારમાં બેચાર માણસો હતા, તેઓ પણ સંપીને સાથે રહી
શકતા ન હતા, ને રોજ કાંઈ ને કાંઈ કલેશ થયા કરતો. એકવાર તે સદ્ગૃહસ્થના
પરિવારની શાંતિ સાંભળીને આ પરિવારના માણસો તેનું રહસ્ય જાણવા માટે તેમની
પાસે ગયા, અને તે વાત પૂછી.
ત્યારે તે વડીલ સદ્ગૃહસ્થે કહ્યું: ભાઈઓ, વિશાળ પરિવારની વચ્ચે પણ શાંતિ
રહેવી એ કાંઈ બહુ અઘરી વાત નથી. તે માટે તેમણે એક કાગળમાં સો શબ્દ લખીને
કહ્યું કે શાંતિ માટેનો મહાન મંત્ર મેં આમાં લખ્યો છે; તે મંત્ર વડે જરૂર તમારા
પરિવારમાં પણ શાંતિ થશે.
તે માણસોએ ઘરે જઈને તે મંત્ર વાંચ્યો...સો વાર વાંચ્યો...ને તેઓ આશ્ચર્ય–
ચકિત થઈ ગયા,–કે વાહ! આટલો સહેલો મંત્ર! અને તે મંત્રથી તરત જ તેમના
પરિવારમાં શાંતિનું આનંદમય વાતાવરણ ફેલાઈ ગયું.–પાઠક! તને પણ તે મંત્ર
જાણવાની ઉત્કંઠા થતી હશે. તો સાંભળ! તે સદ્ગૃહસ્થે કાગળમાં સો વાર એક જ મંત્ર
લખ્યો હતો કે ‘સહનશીલતા...સહનશીલતા....સહનશીલતા...સહન.. ’
સહનશીલતા એક એવા મંત્ર છે કે, જ્યાં બીજા કોઈ ઉપાયો કામ ન કરે ત્યાંપણ
તે મંત્ર કામ કરે છે. સર્વ પ્રસંગમાં ઉપયોગી એવા એ મંત્રનો પ્રયોગ કદી નિષ્ફળ જતો
નથી. ગુરુદેવ પણ ઘણીવાર કહે છે કે જ્યાં બીજા બધા પ્રકારે નિરૂપાયતા હોય ત્યાં પણ
સહનશીલતા તે અમોઘ ઉપાય છે.
સાચી સહનશીલતા રાગ–દ્વેષ વગરની હોવી જોઈએ, એટલે તે સહનશીલતાને
આપણે વીતરાગી ક્ષમા પણ કહી શકીએ.
વીતરાગભાવ–રસિક સાધર્મીઓ! ગૃહવાસમાં ડગલે ને પગલે ઊભા થતા
વિખવાદના પ્રસંગોની વચ્ચે, અશાંતિના ઘોર દુઃખમાંથી છૂટવા માટે તમે આ
‘સહનશીલતા’ મંત્રનો પ્રયોગ કરી જુઓ.....તે જરૂર સફળ થશે, તમારી શક્તિ રાગ–
દ્વેષમાં વેડફાવી અટકી જશે, ને સર્વ શક્તિ આત્મહિત સાધવામાં કેન્દ્રિત થઈ જશે,
એટલે શીઘ્ર જ આત્મહિત સાધીને તમે મહાન શાંતિની અનુભૂતિ કરશો–બસ, બીજું
શું જોઈએ!