: મહા : ૨૫૦૧ આત્મધર્મ : ૨૯ :
પરદ્રવ્યથી ભિન્ન શુદ્ધાત્મતત્ત્વને જાણીને
એકત્વભાવનામાં ઝુલતો આત્મા પ્રશંસનીય છે
[સોનગઢમાં પોષ વદ સાતમના રોજ વાંકાનેરના શ્રીમતી સૌ. મુક્તાબેન
(નવલચંદ જગજીવન) ના મકાન ‘જ્ઞાનપ્રકાશ’ ના વાસ્તુપ્રસંગે પ્રવચન:
(પ્રવચનસાર ગા. ૧૨૪ તથા ૧૨૬)]
જેણે પરદ્રવ્યોથી ભિન્નતાના ભેદજ્ઞાનદ્વારા પોતાના
આત્માને જુદો તારવી લીધો છે, અને પોતાના સમસ્ત વિશેષ ગુણ
–પર્યાયના સમૂહને પોતામાં જ સમાવીને એકત્વ પ્રાપ્ત કર્યું છે, એ
રીતે એકત્વભાવનામાં પરિણમેલા આ મુમુક્ષુ જીવે શુદ્ધનયવડે
મોહનું સામર્થ્ય નષ્ટ કરી નાખ્યું છે, ને ઉત્કૃષ્ટ વિવેક દ્વારા
(શુદ્ધોપયોગ દ્વારા) પરથી ભિન્ન પોતાના શુદ્ધતત્ત્વને અનુભવમાં
લીધું છે.–કુંદકુંદસ્વામી કહે છે કે–અહો, આવો જીવ ધન્ય છે.....
પ્રશંસનીય છે.
સર્વજ્ઞ ભગવાને કેવળજ્ઞાનમાં સ્વ–પર જ્ઞેયોનું જેવું સ્વરૂપ સાક્ષાત્ જાણ્યું ને
દિવ્યધ્વનિરૂપ પ્રવચનમાં કહ્યું, તેનો સાર આ ‘પ્રવચનસાર’ માં કુંદકુંદઆચાર્યદેવે સંઘર્યો છે.
જ્ઞાયકભાવસ્વરૂપ પોતાનો આત્મા તે સ્વતત્ત્વ છે; ને અન્ય જીવ–અજીવ સમસ્ત
પદાર્થો તે પરજ્ઞેયો છે. આવા સ્વ–પર સમસ્ત પદાર્થો પોતપોતાના કર્તા છે, અન્ય કોઈ
તેનો કર્તા નથી.
ઉપયોગસ્વરૂપ આત્મા છે, તેના શુભ–અશુભ કે શુદ્ધોપયોગ પરિણામ તે તેનું કર્મ
(કાર્ય) છે, તેનો કર્તા જીવ છે. તેની ક્રિયા ને તેનું ફળ પણ તેનામાં છે. તેમાં ધર્મીની
શુદ્ધોપયોગરૂપ જે ક્રિયા છે તે મોક્ષ દેનારી છે; તે ક્રિયા સંસારના ફળને ઉત્પન્ન કરનારી
ન હોવાથી નિષ્ફળ કહેવાય છે. અજ્ઞાની જ્ઞાનચેતનાને ચુકીને શુભાશુભરાગક્રિયાને કરે
છે તેનું ફળ સંસાર છે, મોક્ષને માટે તે ક્રિયાઓ નિષ્ફળ છે.