: ૨ : આત્મધર્મ : ફાગણ : ૨૫૦૧
અધ્યાત્મ ભાવનાનું ઘોલન
[નવીન સ્વાધ્યાય]
[૨]
અધ્યાત્મભાવનાનું ઘોલન થાય ને સ્વાધ્યાયમાં વિશેષ રસ
જાગે, તે માટે આ વર્ષથી કોઈ ને કોઈ નવીન શાસ્ત્રનો અનુવાદ
રજુ કરવાનું આપણે શરૂ કરેલ છે. તે અનુસાર ‘પાહુડ દોહા’ નો
અનુવાદ આપવાનું ચાલુ કરેલ છે. તેમાં આ બીજો લેખ છે.
જિજ્ઞાસુઓને આ લેખમાળા ગમી છે. (સં.)
૪૯. મન તો પરમેશ્વરમાં મળી ગયું છે, અને પરમેશ્વર મન સાથે મળી ગયા છે; બંને
એકરસ થઈને રહ્યાં છે, તો હું પૂજાની સામગ્રી કોને ચઢાવું?
૫૦. હે જીવ! તું દેવનું આરાધન કરે છે;–પણ તારા પરમેશ્વર ક્યાં ચાલ્યા ગયા? જે
શિવ–કલ્યાણરૂપ પરમેશ્વર સર્વાંગમાં બિરાજી રહ્યા છે તેને તું કેમ ભૂલી ગયો?
૫૧. અહો, જે પર છે તે તો પર જ છે; પર કદી આત્માનું થતું નથી. શરીર તો દગ્ધ
થાય છે; ને આત્મા ઉપર જાય છે; તે પાછું વાળીને જોતો પણ નથી. (આ રીતે
દેહ અને આત્મા સર્વથા જુદા છે.)
૫૨. હે મૂઢ! આ બધુંય (શરીરાદિકનો સંબંધ) તો કર્મજંજાળ છે, એ કાંઈ નિષ્કર્મ
નથી. (અર્થાત્ સ્વભાવિક નથી.) દેખ, જીવ ચાલ્યો ગયો પણ દેહ–કૂટિર તેની
સાથે ન ગઈ.–આ દ્રષ્ટાંતથી બંનેની ભિન્નતા દેખ.
૫૩. દેહદેવળમાં જે શક્તિ સહિત દેવ વસે છે, હે યોગી! તે શક્તિમાન શિવ કોણ છે?
એનો ભેદ તું જલ્દી ગોતી કાઢ.
૫૪. જે જીર્ણ થતો નથી, મરતો નથી કે ઉત્પન્ન થતો નથી, જે બધાથી પર, કોઈ
અનંત છે, ત્રિભુવનનો સ્વામી છે ને જ્ઞાનમય છે,–તે શિવદેવ છે–એમ તું
નિર્ભ્રાન્તપણે જાણ.