Atmadharma magazine - Ank 377
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 37

background image
(સંપાદકીય)
(સમ્યક્ આત્મભાવોની પ્રાપ્તિ એ જ સાચો મહોત્સવ)
અત્યારે આપણે સૌ મહાવીર ભગવાનના નિર્વાણનો
અઢીહજારવર્ષીય મહાનઉત્સવ ઊજવી રહ્યા છીએ. ભગવાનનું ધર્મચક્ર
ભારતમાં ઠેરઠેર પ્રવર્તી રહ્યું છે, ને સમસ્ત જનતા એકમેક થઈને
અત્યંત ઉત્સાહથી તેનું સ્વાગત કરી રહી છે.
અહા, જગતને હિતકારી એવો ધર્મોપદેશ દેતાદેતા, ને ચૈતન્યના
અપરંપાર મહિમાને પ્રસિદ્ધ કરતા–કરતા વીરનાથપ્રભુ જ્યારે ધર્મચક્ર
સહિત આ ભરતક્ષેત્રમાં વિચરતા હતા...તેની થોડીક ઝાંખી અત્યારે થઈ
રહી છે. આપણે પણ પ્રભુના શાસનમાં છીએ, ને પ્રભુએ ચલાવેલું
ધર્મચક્ર આજે પણ ચાલી રહ્યું છે.
પ્રભુના ધર્મચક્રનો ઉત્સવ ઉજવતાં આપણી,–સૌ જૈનોની મુખ્ય
જવાબદારી એ છે કે આપણા ભગવાનનો ઉત્સવ ઉજવતાં આપણા
સૌમાં વીતરાગભાવની જ વૃદ્ધિ થાય; ઉત્સવને લગતા વર્ષભરના
કાર્યક્રમોમાં કે પ્રચારમાં એવું કાંઈ ન થાય કે જેથી ક્્યાંય કલેશ થાય;
–અપિ તુ જુની કોઈ કટુતા હોય તો તે પણ દૂર થઈને, પરસ્પર પ્રેમ–
વાત્સલ્ય વધે એમ કરીને આપણે સૌએ ઉત્સવને શોભાવવાનો છે.
વીરનાથના શાસનમાં રહેલા આપણા સૌનો ઉદ્દેશ એક જ છે–
પછી કલેશનું કારણ જ ક્્યાં છે? જાગૃત રહો–કે આપણે ભગવાનનો
ઉત્સવ ઉજવીને તેમના માર્ગે જવાનું છે. આપણે સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રવડે ભગવાનના માર્ગમાં જેટલા ચાલીશું તેટલી જ ઉત્સવની
સફળતા થશે. ઉત્સવમાં લાખો માણસો કે કરોડો રૂપિયા ભેગા થાય
એના કરતાં બે–પાંચ વ્યક્તિ પણ સમ્યક્ ભાવોને પ્રાપ્ત કરે તે વધુ
મહત્ત્વનું છે. ‘સમ્યક્ આત્મભાવોની પ્રાપ્તિ–એ જ મહાવીરનો સાચો
મહોત્સવ છે’–આ મહત્ત્વના મંત્રને સામે રાખીને આપણે ભગવાનનો
ઉત્સવ ઉજવીએ.
જય મહાવીર.