: ફાગણ : ૨૫૦૧ આત્મધર્મ : ૩ :
સિવાયનો જ્ઞાનરસ કેવો છે, તે જ્ઞાની પાસેથી તથા શાસ્ત્રથી સમજીને પોતાના વેદનથી
તેનો નિર્ણય કરે છે.
જ્ઞાનીની અનુભૂતિ–અનુસાર ભેદજ્ઞાનના અભ્યાસ વડે વારંવાર પોતાના
નિર્ણયને ઘૂંટે છે, તેનો રસ વધતો જાય છે, અને બહારની બીજી વાતમાંથી રસ ઓછો
થતો જાય છે.–આ રીતે મોહનું જોર તૂટતું જાય છે ને જ્ઞાનનું જોર વધતું જાય છે. આ
પ્રકારે પરિણામને બીજા કાર્યોમાંથી નિવૃત્ત કરીકરીને અંતરમાં ભેદજ્ઞાનની સ્ફુરણા કરતો
જાય છે. જેમકે, હું એક શુદ્ધજ્ઞાયક છું; મારા જ્ઞાયકતત્ત્વની પરિણતિ પણ જ્ઞાનરૂપ છે;
તેમાં દ્રવ્યકર્મ–ભાવકર્મ કે નોકર્મ નથી. હું અસંખ્યપ્રદેશે ભરેલા મારા અનંતગુણથી
સ્વતંત્ર છું; હું મારા દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવથી પૂરો છું અને પરવસ્તુના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–
ભાવની સાથે મારે કાંઈ સંબંધ નથી,–હું તથા પરદ્રવ્ય બધાય સ્વતંત્ર છીએ તેથી
પરદ્રવ્યનું કાંઈ કરી શકું નહીં, તેમજ પરદ્રવ્ય મને કાંઈ લાભ કે નુકશાન કરી શકે નહીં.
–આવી સમજણને લીધે તેને પરપ્રત્યે નિરપેક્ષવૃત્તિ હોય છે, એટલે પરમાં રાગ–દ્વેષ કે
ક્રોધ–માનાદિ કષાયોનો રસ ઘણો જ ઘટી ગયેલ હોય છે, તેને બહારના કાર્યોમાં હઠાગ્રહ
રહેતો નથી પણ સમાધાન કરતો હોય છે, તેથી તેને આકુળતા ઓછી થાય છે; પોતાના
જોરને તે ચૈતન્ય તરફ જ કેન્દ્રિત કરવા મથે છે.
આ પ્રમાણે આત્માનું સ્વરૂપ જ્ઞાની પાસેથી જાણીને વારંવાર અભ્યાસ કરીને
આત્માનો મહિમા દ્રઢ કરતો જાય છે અને પછી તેના જ ધ્યાનમાં એકાગ્રચિત્તે આત્માનો
વારંવાર અભ્યાસ કરતાં–કરતાં આત્મામાં લીન થવાની તલપ લાગે છે. અન્ય
નિષ્પ્રયોજન વિચારોથી દૂર ખસીને એક આત્મા સંબંધી જ ચિંતનમાં તે ઊંડો ઊતરે છે.
હજી ગુણ–ગુણીના ભેદના વિકલ્પ છે, પણ તે વિકલ્પથી જુદું જ્ઞાન લક્ષમાં લીધું છે એટલે
વિકલ્પમાં અટકવા માંગતો નથી, પણ વિકલ્પથી પાર એવા જ્ઞાનનો સ્વાદ લેવા માંગે
છે.–આ રીતે તે જીવ જ્ઞાનસ્વભાવને આંગણે આવ્યો છે. હજી નિર્વિકલ્પ સ્વસંવેદન
થયેલ નથી, પણ સ્વભાવમાં જવા માટે પુરુષાર્થ તૈયાર થવા માંડયો છે. રાગ કરતાં
જ્ઞાન તરફનું જોર વધતું જાય છે. આવો વારંવાર પુરુષાર્થ કરતાં આત્મમહિમાનો
ચૈતન્યરસ જ્યારે પરાકાષ્ટાએ પહોંચે છે ત્યારે તેનો ઉપયોગ સૂક્ષ્મ વિકલ્પથી પણ
એકાએક જુદો પડીને, ઈન્દ્રિયાતીત અંર્ત–સ્વભાવમાં અભેદ થાય છે એટલે કે નિર્વિકલ્પ
થઈ જાય છે. આવી નિર્વિકલ્પ અનુભવદશાપૂર્વક ભગવાન આત્માનું સમ્યગ્દર્શન થાય
ત્યારે તેની સાથે કોઈ અપૂર્વ આનંદ ને અપાર શાંતિ વેદાય છે. બસ, ત્યારથી તે જીવ
મોક્ષમાર્ગમાં દાખલ થઈ જાય છે.
અહા, એ દશા ધન્ય છે........કૃત્યકૃત્ય છે;
એ દશાવાળા આરાધક જીવો વંદનીય છે.