Atmadharma magazine - Ank 379
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 53

background image
: વૈશાખ : ૨૫૦૧ આત્મધર્મ : ૧૩ :
શુદ્ધ અનંતશક્તિવાળો જ્ઞાયકસ્વભાવ હોવાથી આત્મામાં સ્વતંત્રપણે કેવળજ્ઞાનનો કર્તા
થવાની તાકાત છે; શરીરમાં કે રાગમાં એવું સામર્થ્ય નથી કે કેવળજ્ઞાનનું કર્તા થાય.
(૨) કર્મ:–શુદ્ધ અનંત શક્તિવાળા જ્ઞાનરૂપે પરિણમવાના સ્વભાવને લીધે આત્મા
પોતે જ કેવળજ્ઞાનરૂપે પ્રાપ્ત થતો હોવાથી પોતે જ કર્તા છે. કેવળજ્ઞાનરૂપ કાર્યનો
અનુભવ આત્મા પોતે કરે છે, પોતે તેરૂપે સ્વયં થાય છે. જેમ ‘જ્ઞાનરૂપે પરિણમવાનો
સ્વભાવ’ કહ્યો તેમ ‘સુખરૂપે પરિણમવાનો સ્વભાવ, સમ્યક્ત્વરૂપે પરિણમવાનો
સ્વભાવ–એમ સર્વે ગુણોની નિર્મળપર્યાયરૂપે પરિણમવાનો આત્માનો સ્વભાવ છે, તે
સ્વભાવને લીધે સ્વયંભૂ છકારકરૂપ થઈને કેવળજ્ઞાનાદિ રૂપે પરિણમે છે.
(૩) સાધન અર્થાત્ કરણ: શુદ્ધ અનંતશક્તિવાળા જ્ઞાનરૂપે પરિણમવાના
સ્વભાવને લીધે આત્મા પોતે જ સાધકતમ છે. શુદ્ધોપયોગના પ્રભાવથી આત્મા પોતે
સાધકતમ થઈને કેવળજ્ઞાનરૂપ પરિણમે છે. સાધકતમ કહેતાં સાધનનું અનન્યપણું
બતાવ્યું છે; શુદ્ધોપયોગરૂપ પરિણમતો આત્મા–તે જ એક ઉત્કૃષ્ટ સાધન છે ને બીજું
સાધન નથી એવા અર્થમાં ‘સાધકતમ’ કહેલ છે. અજ્ઞાની અંતરના સ્વભાવને
ભૂલીને બહારના સાધનને ઢૂંઢે છે ને મોહથી દુઃખી થાય છે. ભાઈ! સાધન થવાની
તાકાત તારા સ્વભાવમાં છે–તેમાં ઉપયોગને જોડ, તો આત્મા પોતે સાધન થઈને
કેવળજ્ઞાનરૂપે પ્રગટ થશે. શરીર કે શુભરાગ સાધન થાય–એ તો વાત જ નથી. મતિ–
શ્રુતજ્ઞાનમાંય એવી તાકાત નથી કે કેવળજ્ઞાનનું સાધન થાય, ત્યાં શુભરાગની શી
વાત?–એ તો વિરુદ્ધ જાત છે. તે સમયે આત્મા પોતે જ કેવળજ્ઞાનનું સાધન થઈને
કેવળજ્ઞાનરૂપે પરિણમે છે, એનાથી જુદું એનું સાધન નથી. પર્યાયે તે સમયે પોતાના
અનંતશક્તિવાળા સ્વભાવનું અવલંબન લીધું છે–તેમાં જ સાધન વગેરે છએ કારક
સમાઈ જાય છે.
(૪) સંપ્રદાન: શુદ્ધ અનંતશક્તિવાળા જ્ઞાનરૂપે પરિણમવાના સ્વભાવને લીધે
આત્મા પોતે કેવળજ્ઞાનવડે સમાશ્રિત થાય છે, કેવળજ્ઞાનરૂપી કાર્ય આત્મા પોતે પોતાને
જ આપે છે, તેથી આત્મા જ કેવળજ્ઞાનનું સંપ્રદાન છે. પોતે જ સ્વયં સંપ્રદાન થઈને
કેવળજ્ઞાનરૂપ થયો છે તેથી આત્મા સ્વયંભૂ છે. અહો, આવો ‘સ્વયંભૂ’ ભગવાન
આત્મા પોતે છે, તે ભૂલીને બહારના સાધનવડે પોતાને જ્ઞાન કે સુખ થવાનું માનીને
બહારમાં ઢૂંઢે છે, તે માત્ર મોહ છે, વ્યગ્રતા છે, દુઃખ છે, સ્વયંભૂ સ્વભાવ પરમસુખથી
ભરેલો છે તેમાં ઉપયોગ જોડતાં જ અતીન્દ્રિયસુખ અનુભવાય છે. બીજું કોઈ તેનું
સાધન છે જ નહીં.