Atmadharma magazine - Ank 380
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page  


Combined PDF/HTML Page 3 of 3

PDF/HTML Page 41 of 45
single page version

background image
: ૩૮ : આત્મધર્મ : જેઠ : ૨૫૦૧
સીતાજી–ચંદના વગેરે સતીઓએ પણ કેવા–કેવા મહાન ધૈર્યપૂર્વક પોતાના શીલવ્રતમાં
અડગતા રાખી છે! એમના દાખલા જગતમાં પ્રસિદ્ધ છે. આવા મહાપુરુષોના
ઉદાહરણવડે ધર્મીજીવ પોતાના વ્રતોમાં દ્રઢતા કરે છે. પ્રાણ જાય તો ભલે જાય, પણ
ધર્મીજીવ પોતાનાં વ્રતને તોડે નહિ, ધર્મથી ડગે નહિ.
વાહ, જુઓ આ ધર્મી–શ્રાવકનાં વ્રતો! આવાં વ્રત સમ્યગ્દર્શનપૂર્વક જ હોય છે.
જેમાં રાગ–દ્વેષના એક કણનો પણ સ્વીકાર નથી એવા પોતાના પૂર્ણ ચૈતન્યસ્વભાવની
સન્મુખ થઈને મિથ્યાત્વના મહા પાપને તો જેણે છોડ્યું છે, તે ઉપરાંત અસ્થિરતાના
અલ્પ પાપોથી પણ છૂટવાની આ વાત છે. જેના અભિપ્રાયમાં રાગનો સ્વીકાર છે,
રાગના કોઈપણ પ્રકારથી જે ચૈતન્યને લાભ માને છે તેને તો વીતરાગતા કેવી? –ને
વીતરાગતા વિના વ્રત કેવાં? તેણે તો હજી રાગથી જુદા ચૈતન્યસ્વભાવને જાણ્યો જ
નથી તો તે રાગને છોડશે ક્્યાંથી? ને ચૈતન્યમાં ઠરશે ક્્યાંથી? –માટે ભેદવિજ્ઞાન જ
ચારિત્રનું મૂળકારણ છે–એ વાત બરાબર સમજવી.
જ્યાં રાગના એક કણની પણ રુચિ છે ત્યાં વીતરાગી ચૈતન્યનો અનાદર છે, તેને
ચારિત્રનો પણ અનાદર છે, એટલે મિથ્યાત્વ છે, અને તે ઘોર સંસારનું મૂળ છે.
સમ્યગ્દ્રષ્ટિ તો આત્માના મોક્ષસ્વભાવને પ્રતીતમાં લઈને, વિકારના કોઈપણ અંશને
પોતાના સ્વભાવમાં સ્વીકારતો નથી; પછી શુદ્ધતા વધતાં રાગનો ત્યાગ થતો જાય છે,
તે મોક્ષનું કારણ છે; ને જીવદયા વગેરે સંબંધી શુભરાગ રહે તેટલું પુણ્યકર્મના બંધનું
કારણ છે, તે મોક્ષનું કારણ નથી; આ રીતે મોક્ષ અને બંધ બંનેના કારણને તે ધર્મીજીવ
ભિન્ન–ભિન્ન ઓળખે છે, તેમને એકબીજામાં ભેળવતો નથી.
અરે, અત્યારે તત્ત્વજ્ઞાન જીવોને દુર્લભ થઈ ગયું છે; અને તત્ત્વજ્ઞાન વગર
મિથ્યાત્વના મહા અનર્થમાં ડુબેલા હોવા છતાં પોતાને વ્રતી–ચારિત્રી માનીને બીજા
ધર્માત્માઓ પ્રત્યે તીરસ્કાર કરે છે, તે તો મહાન દોષમાં પડ્યા છે, જૈનધર્મની પદ્ધતિની
તેને ખબર નથી. જૈનધર્મમાં તો એવી પદ્ધત્તિ છે કે પહેલાંં તત્ત્વજ્ઞાન હોય ને પછી
વ્રત હોય. સમ્યગ્દર્શન પહેલાંં વ્રત–ચારિત્ર હોવાનું જે માને છે તે જૈનધર્મના ક્રમને
જાણતો નથી.
અહા, રાગવગરના બેહદ ચૈતન્યસ્વભાવનું સમ્યગ્દર્શન થતાં અનંતગુણનો
ભંડાર ખુલ્યો, મોક્ષનાં કિરણ ખીલ્યાં, અતીન્દ્રિયસુખની કણિકા પ્રગટી; તેની ભૂમિકા
ચોખ્ખી થઈ ગઈ; હવે તેમાં ચારિત્રનું ઝાડ ઊગશે ને મોક્ષફળ પાકશે. સમ્યગ્દર્શનરૂપી

PDF/HTML Page 42 of 45
single page version

background image
: જેઠ : ૨૫૦૧ આત્મધર્મ : ૩૯ :
ભૂમિકા વગર ચારિત્રનું ઝાડ ક્્યાંથી ઊગશે? –માટે મોક્ષમાર્ગમાં પ્રથમ સમ્યક્ત્વનો
ઉપદેશ પ્રધાન છે. સમ્યગ્દર્શન વડે જ હિતનો પંથ શરૂ થાય છે; એના વગર શુભરાગ
ગમે તેવો કરે તોપણ હિતનો પંથ જરાય હાથ આવતો નથી.
અહો, ભગવાન આત્મા ચૈતન્યસ્વભાવી, તેના શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાયના બેહદ
સામર્થ્યની શી વાત? તેમાં રાગ ક્્યાંય સમાય નહીં. આવા સુંદર પોતાના સ્વભાવને
પોતામાં દેખ્યો ત્યાં દુનિયા સામે શું જોવું?
*
દુનિયાના લોકો સારો કહીને વખાણ કરે તેથી કાંઈ લાભ થઈ જાય તેમ નથી.
* અને દુનિયાના લોકો ખરાબ કહીને નિંદા કરે તેથી કાંઈ અંદર નુકશાન થઈ
જતું નથી.
* પોતાના સ્વભાવની સાધનાથી પોતાને લાભ છે, ને પોતાના વિભાવથી પોતાને
નુકશાન છે.
* સ્વભાવમાં કે વિભાવમાં દુનિયા સાથે કાંઈ સંબંધ નથી.
ભાઈ, તારા ભાવને દુનિયાના લોકો માને કે ન માને તેથી તારે શું? તું રાગ–દ્વેષ–
કષાયવડે આત્માની હિંસા ન કર, ને વીતરાગીશાંતિનું વેદન કર–એ જ તારું પ્રયોજન છે.
અહા, જ્યાં ચૈતન્યનો પ્રેમ જાગ્યો ત્યાં કષાયો સાથે કટ્ટી થઈ; પ્રશસ્ત કે અપ્રશસ્ત બધા
રાગભાવો તે કષાયમાં આવી ગયા, તેનાથી ચૈતન્યભાવને ભિન્ન જાણીને તેનો જેણે પ્રેમ
કર્યો તેણે મોક્ષની સાથે મિત્રતા કરી. પછી તે ધર્માત્માને જે રાગ રહે તે ઘણા જ મંદ
રસવાળો હોય છે, એટલે તેને તીવ્ર હિંસા–જુઠું–ચોરી–અબ્રહ્મ કે પરિગ્રહનાં પાપ હોતા
નથી. અહા, ધર્મી શ્રાવકનું જીવન તો કેવું હોય! જિનેશ્વરભગવંતનો દાસ, ને સંસારથી
ઉદાસ; અંતરની ચૈતન્યલક્ષ્મીનો સ્વામી ને જગત પાસે અયાચક; જગત પાસેથી મારે કાંઈ
જોઈતું નથી, મારી સુખ–સમૃદ્ધિનો બધો વૈભવ મારામાં જ છે–આવી અનુભૂતિની જેને
ખુમારી છે, તે શ્રાવક જગતની નિંદા–પ્રશંસા સાંભળીને અટકી જતો નથી; લોકોનાં ટોળાં
પ્રશંસા કરે તેથી કાંઈ આ જીવને ગુણ થઈ જતો નથી; –આમ જાણીને તે સમભાવી
મધ્યસ્થપણે પોતાના હિત માર્ગે ચાલ્યો જાય છે.
જેનો ભાવ મોહ અને કષાયમાં જ વર્તે છે, દુનિયાના લોકો તેની પ્રસંશા કરે
તોપણ તેથી તેને જરાય લાભ નથી.
અને જેનો ભાવ મોહાદિ રહિત શુદ્ધ વીતરાગરૂપ થયો છે, દુનિયાના લોકો તેની
નિંદા કરે તોપણ તેથી તેને જરાય નુકશાન નથી.

PDF/HTML Page 43 of 45
single page version

background image
: ૪૦ : આત્મધર્મ : જેઠ : ૨૫૦૧
અહા, જુઓ તો ખરા આત્માની સ્વાધીનતા! પોતાના ભાવ ઉપર જ બધો
આધાર છે. પોતાના ભાવમાં શુદ્ધતા તે જ શાંતિનો લાભ છે; ને પોતાના ભાવમાં
અશુદ્ધતા તે જ નુકશાન છે. એ સિવાય લાભ–નુકશાન કરવાની જગતમાં બીજા કોઈની
તાકાત નથી. જેટલી સ્વભાવની સેવા તેટલો લાભ, અને જેટલું વિભાવનું સેવન તેટલું
નુકશાન. એટલે બીજા કોઈ લાભ–નુકશાનના કરનાર ન હોવાથી તેના ઉપર રાગ–દ્વેષ
કરવાનું ન રહ્યું, પોતાના ભાવમાં જ શુદ્ધતા કરવાનું રહ્યું. ભાવોમાં શુદ્ધતા થતાં થતાં
ધર્મીને હિંસાદિ ભાવો છૂટતા જાય છે, ને અહિંસાદિ વ્રતો પ્રગટે છે; તે અનુસાર તેને
શ્રાવકદશા કે મુનિદશા હોય છે.
મોક્ષના મહા આનંદમાર્ગે ચાલનારા ધર્માત્માઓની દશા કોઈ અદ્ભુત હોય છે;
જગતથી એની દશા ન્યારી છે. રાગ વગરના એના જ્ઞાનમાં કોઈ અલૌકિક વિચક્ષણતા
હોય છે, તે જ્ઞાન પોતાના હિતને ક્્યારેય ચુકતું નથી; વીતરાગીચારિત્રના ચમકારા કરતું
કરતું તે ભવબંધન તોડીને મોક્ષમાં ચાલ્યું જાય છે.
અહો તે ચારિત્રવંત વીતરાગસંતોને નમસ્કાર હો.
જૈનધર્મનો પ્રસાદ
હું દુઃખી તો ઘણા ભવમાં
થયો. બસ, હવે આ ભવ દુઃખી થવા
માટે નથી;
આ ભવ તો સુખી થવા માટે
છે. દુઃખનો અંત કરીને હવે તો સાદિ
અનંત સુખી જ રહેવાનું છે.
–આ આપણા જૈનધર્મનો ને શ્રી
ગુરુનો પ્રસાદ છે, કે તેના સેવનથી
દુઃખ મટીને પરમ સુખ થાય છે.
જિન–ઉપાસના
જિનપૂજામાં કોઈ દીનતા નથી,
યાચના નથી, પણ હે જિન! આપના
જેવો હું થાઉં એવી વીતરાગપદની
ભાવના છે! આવી ભાવનાવડે પૂજક
પોતાને પૂજ્યરૂપ બનાવવા ચાહે છે.
‘જેવા પ્રભુ છે તેવો હું છું’ –એમ
આત્મિકગુણોની પ્રધાનતા છે, ને
એવા આત્મિકગુણોના લક્ષે જ
અરિહંતપ્રભુની સાચી ઉપાસના થાય છે.

PDF/HTML Page 44 of 45
single page version

background image
શું કરવું?
ઘણા જીવોને પ્રશ્ન થાય છે કે ધર્મ કરવા અમારે શું કરવું? તેનો ઉત્તર નીચેની
માત્ર આઠ લાઈનમાં ગુરુદેવ સ્પષ્ટ સમજાવે છે –
જ્ઞાની કે અજ્ઞાની–કોઈ જીવ પરમાં એક પરમાણુ માત્રને હલાવવાનું સામર્થ્ય
ધરાવતો નથી, એટલે પોતાની ભિન્ન જડ દેહાદિની ક્રિયામાં આત્માનું કર્તૃત્વ નથી.
જ્ઞાની ને અજ્ઞાનીમાં આકાશ–પાતાળ જેવડો મહાન તફાવત છે, અને તે એ છે કે
અજ્ઞાની પરદ્રવ્યનો રાગ–દ્વેષનો કર્તા થાય છે, અને જ્ઞાની પોતાને શુદ્ધ અનુભવતો થકો
તેમનો કર્તા થતો નથી. પરથી ભિન્ન પોતાના એકત્વની અનુભૂતિવડે જ પરના
કર્તૃત્વનો મિથ્યાઅભિપ્રાય છૂટે છે, અને તેનો જ મહાન પ્રયત્ન દરેક જીવે કરવાનો છે.
તે કર્તૃત્વબુદ્ધિ છૂટયા વગર પરિભ્રમણ છૂટશે નહિ; માટે સ્વ–પરનું ભેદજ્ઞાન કરીને,
પરના કર્તૃત્વની બુદ્ધિ છોડો. સુખી થવા માટે આ જ કરવાનું છે.
ક્રિયા: કોણ સ્થાપે છે?
જ્ઞાની સ્થાપે છે
૧. શરીરની ક્રિયા તે પુદ્ગલ–
પરમાણુઓની અવસ્થા છે અને
પરમાણુઓ સ્વતંત્રપણે પરિણમે છે
અર્થાત્ શરીરની તે અવસ્થારૂપ થાય છે.
આત્મા તેનો ખરેખર કર્તા નથી, એમ
જ્ઞાનીઓ જ શરીરની ક્રિયાને જેમ છે તેમ
સ્થાપે છે.
૨. પુણ્યક્રિયા તે જીવનો
વિકારભાવ છે, તે ક્રિયાથી આત્માનો
અવિકારી ધર્મ પ્રગટે નહિ તેમ જ તે
ક્રિયા ધર્મમાં મદદ કરે નહિ–એમ
જ્ઞાનીઓ જ પુણ્યક્રિયાને પુણ્યની ક્રિયા
તરીકે સ્થાપે છે.
૩. આત્માની અવિકારી ક્રિયા તે
ધર્મ છે, તે ક્રિયા આત્માના જ અવલંબને
પ્રગટે છે, તેમાં કોઈ બીજાનું અવલંબન
નથી તેમ જ પુણ્યની ક્રિયાથી તે
અવિકારી ક્રિયા પ્રગટતી નથી–એમ
જ્ઞાનીઓ જ અવિકારી ક્રિયાને બરાબર
સ્થાપે છે.
– કોણ ઉથાપે છે?
અજ્ઞાની ઉથાપે છે
૧. શરીરની ક્રિયા આત્માથી થાય છે,
પણ એની મેળે સ્વતંત્ર થતી નથી–એમ
માનીને અજ્ઞાનીઓ જ શરીરની
સ્વતંત્ર ક્રિયાને ઉથાપે છે, કેમકે તેઓ
પુદ્ગલ પરમાણુઓની સ્વતંત્ર ક્રિયાને
સ્થાપતા નથી.
૨. પુણ્ય–ક્રિયા અર્થાત્ શુભરાગરૂપ
વિકારી ક્રિયાથી ધર્મ થાય અથવા તો તે
કરતાં કરતાં ધર્મ થાય એમ માનીને
અજ્ઞાનીઓ જ પુણ્યની ક્રિયાને ઉથાપે છે;
કેમકે પુણ્ય તે વિકારી ક્રિયા છે, છતાં તેઓ
વિકારી ક્રિયાને વિકારી ક્રિયા તરીકે
સ્થાપતા નથી.
૩. આત્માની અવિકારી ક્રિયા પુણ્ય
કરતાં કરતાં થાય અથવા તો કંઈક
પરાવલંબન જોઈએ–એમ માનીને
અજ્ઞાનીઓ જ અવિકારી ધર્મ–ક્રિયાને
ઉથાપે છે; કેમકે પુણ્યની અપેક્ષા રહિત
નિરાવલંબી અવિકારી ધર્મક્રિયા છે તેને
તેઓ સ્થાપતા નથી.

PDF/HTML Page 45 of 45
single page version

background image
ફોન નં. : ૩૪ “ આત્મધર્મ ” Regd. No. G.B.V. 10
પંચકણિકા
પચ્ચીસવર્ષ પહેલાંં એકવાર ગુરુદેવે પ્રવચનમાં નીચેના પાંચ બોલના
વિવેચન દ્વારા જીવનું સાચું કર્તવ્ય અતિ સુગમ રીતે સમજાવ્યું હતું. ઘણા
જિજ્ઞાસુઓએ તે પાંચ બોલ મોઢે કર્યાં હતા; તે ઉપયોગી હોવાથી અહીં આપવામાં
આવ્યા છે –
૧. હે જીવ! આજસુધી તેં કોઈ બીજાને [જીવને કે જડને] કિંચિત્માત્ર લાભ કે
નુકશાન કર્યું નથી.
૨. આજસુધી કોઈ બીજાએ [જડે કે જીવે] કિંચિત્માત્ર તને લાભ કે નુકશાન
કર્યું નથી.
૩. આજસુધી તેં અજ્ઞાનથી તારા માટે એકલો નુકશાનનો જ ધંધો કર્યો છે,
એટલે તું દુઃખી થયો છે.
૪. તે નુકશાન તારી ક્ષણિક અવસ્થામાં થયું છે; તારો સ્વભાવ નાશ થઈ ગયો
નથી, એટલે નુકશાનનો ધંધો છોડીને સાચા જ્ઞાનવડે આત્માના લાભનો
ધંધો થઈ શકે છે.
૫. તારી ચૈતન્યવસ્તુનો સ્વભાવ અવિનાશી સુખથી ભરેલો છે; તે સ્વભાવને
લક્ષમાં લઈને સ્વસન્મુખ પરિણમતાં જ અનાદિનો નુકશાનનો ધંધો ટળીને
સમ્યક્ત્વાદિનો સુખનો અપૂર્વ લાભ થાય છે.
* સૌએ લક્ષમાં લેવા જેવું –વીતરાગી જિનમંદિરમાં રાત્રે કે વહેલી
સવારે–પરોઢિયે અષ્ટદ્રવ્યથી પૂજન થાય નહિ; તેમજ સામગ્રી ધોવી કે અભિષેક
કરવો તે પણ યોગ્ય નથી. સૌ મુમુક્ષુમંડળોએ આ પ્રમાણે જિનમંદિરોમાં
પૂજનપદ્ધત્તિ કરવી જોઈએ. પૂ. ગુરુદેવે પણ પ્રવચનમાં કહેલ કે રાત્રે આવી
ક્રિયાઓ કરવી તે માર્ગ નથી. રાત્રિભોજનાદિ પણ જૈનગૃહસ્થને શોભે નહિ; તેમાં
ત્રસહિંસા–સંબંધી તીવ્રકષાય હોવાથી, જૈનમાર્ગમાં ખૂબ ભારપૂર્વક તેનો નિષેધ છે.
વીરનાથના મોક્ષગમનનું અઢીહજારમું વર્ષ ચાલે છે ત્યારે જૈનસમાજ જાગૃત બને,
ને જ્ઞાનશુદ્ધિ સાથે ક્રિયાશુદ્ધિ વડે પણ જૈનધર્મની પ્રભાવના વધારે એ સૌનું કર્તવ્ય
છે. (જૈન મંદિરોના કંપાઉંડમાં કર્મચારી–અન્યમતિ લોકો ધુમ્રપાન કરતા હોય ત્યાં
તે પણ સદંતર અટકાવવું જરૂરી છે.)
પ્રકાશક: શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ. સોનગઢ (સૌરાષ્ટ્ર) જેઠ
મુદ્રક: મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય, સોનગઢ (સૌરાષ્ટ્ર) પ્રત ૩૧૦૦