Atmadharma magazine - Ank 380
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 45

background image
: જેઠ : ૨૫૦૧ આત્મધર્મ : ૧૯ :
પરદ્રવ્યોથી આત્માને ભિન્ન જાણ્યા વિના તેમનાથી ઉપેક્ષા થાય નહિ.
પરદ્રવ્યોથી ઉપેક્ષા વિના સ્વતત્ત્વમાં એકાગ્રતા કેવી? અને સ્વતત્ત્વમાં એકાગ્રતા વગર
સમાધિ કેવી? સમાધિ વગર સુખ કે શાંતિ કેવા? માટે સૌથી પહેલાંં ભેદજ્ઞાનના
અભ્યાસવડે દેહાદિથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને જાણવો તે જ શાંતિનો ઉપાય છે.
હે જીવો! સાચી શાંતિ પામવા આત્માને ઓળખો.
જેનામાં સુખ છે–તેને જાણતાં સુખ થાય છે.
જેનામાં સુખ નથી તેને જાણતાં સુખ થતું નથી.
જે શુદ્ધાત્માના સંવેદનની ઉપલબ્ધિ થતાં મારા જ્ઞાનચક્ષુ ખૂલી ગયા, તથા જે
ઈન્દ્રિયો અને વિકલ્પોથી અગોચર, અતીન્દ્રિય છે, એવો સ્વસંવેદ્ય હું છું. આવા સ્વસંવેદ્ય
આત્મારૂપે જ હું મને અનુભવું છું, એ સિવાય દેહાદિ કોઈ પરદ્રવ્યો મને મારાપણે
જરાપણ ભાસતા નથી. –આ રીતે સમ્યગ્જ્ઞાન થતાં આત્માને પોતાના સ્વરૂપની નિઃશંક
ખબર પડે છે. હવે શુદ્ધ ચૈતન્યતત્ત્વનું મને ભાન થતાં હું જાગ્યો ને બધા તત્ત્વોના
યથાવત્ સ્વરૂપને જાણવારૂપે હું પરિણમ્યો. આવું શુદ્ધ ચૈતન્યતત્ત્વ હું છું, કે જેના
અભાવથી હું સુપ્ત હતો ને હવે જેના ભાનથી હું જાગ્યો. કેવું છે મારું સ્વરૂપ? અતીન્દ્રિય
છે અને વચનના વિકલ્પોથી અગોચર છે; માત્ર સ્વસંવેદનગમ્ય છે. વ્યવહારના
વિકલ્પોથી કે રાગથી ગ્રહણ થાય એવું મારું સ્વરૂપ નથી, મારું સ્વરૂપ તો અંતરના
સ્વસંવેદનવડે જ અનુભવમાં આવે તેવું છે. આવું સ્વસંવેદ્યતત્ત્વ હું છે.
જેમ ઊંઘમાં સૂતેલા મનુષ્યને આસપાસનું ભાન રહેતું નથી, તેમ દેહમાં
આત્મબુદ્ધિ કરીને મોહનિદ્રામાં સૂતેલા પ્રાણીઓને સ્વ–પરનું કાંઈ ભાન નથી. સંતો સ્વ–
પરનું ભેદજ્ઞાન કરાવીને તેની મોહનિદ્રા છોડાવે છે, ને તેને જગાડે છે કે અરે જીવ! તું
જાગ...જાગ! જાગીને તારા ચૈતન્યપદને જો.
જ્યાં અંર્તમુખ થઈને અતીન્દ્રિય આત્માનું સ્વસંવેદન થયું ત્યાં ધર્મીના
ચૈતન્યચક્ષુ ખુલી ગયા, અનાદિની અજ્ઞાનનિદ્રા ઊડી ગઈ તે કહે છે કે અહા! આવા
મારા તત્ત્વને અત્યારસુધી કદી મેં નહોતું જાણ્યું, પણ હવે સ્વસંવેદનથી મેં મારા
આત્મતત્ત્વને જાણી લીધું છે...હવે હું જાગૃત થયો છું.
જ્ઞાની–ધર્માત્મા જગતના કાર્યોનો ઉત્સાહ છોડીને
નિજસ્વરૂપના ઉત્સાહમાં જાગૃત વર્તે છે.