: ૨૦ : આત્મધર્મ : જેઠ : ૨૫૦૧
નિજસ્વરૂપમાં જેનો ઉપયોગ છે તે જાગૃત છે.
ચૈતન્યસ્વરૂપથી જે વિમુખ છે તે ઊંઘતો છે.
જ્ઞાનઆનંદમય પોતાના પરમાત્મતત્ત્વને જાણીને તેની ભાવના કરનાર જ્ઞાની
જાણે છે કે અહા! હું તો જ્ઞાનમૂર્તિ છું, જ્ઞાનસ્વભાવની ભાવનામાં રાગ–દ્વેષ છે જ નહિ;
તો રાગ વગર હું કોને મિત્ર માનું? ને દ્વેષ વગર હું કોને શત્રુ માનું? મિત્ર કે શત્રુ તો
રાગ–દ્વેષમાં છે. જ્ઞાનમાં મિત્ર–શત્રુ કેવા? જ્ઞાનમાં રાગ–દ્વેષ નથી, તો રાગ–દ્વેષ વિના
મિત્ર કે શત્રુ કેવા? આ રીતે જ્ઞાનભાવનારૂપે પરિણમેલા જ્ઞાની કહે છે કે મારા
ચિદાનંદસ્વરૂપને દેખતાંવેંત જ રાગ–દ્વેષ એવા ક્ષીણ થઈ ગયા છે કે જગતમાં કોઈ મને
મિત્ર કે શત્રુ ભાસતા નથી, જગતથી ભિન્ન મારું જ્ઞાનાનંદસ્વરૂપ જ મને ભાસે છે.
જુઓ, આવા આત્મસ્વરૂપની ભાવના તે જ વીતરાગી શાંતિનો ઉપાય છે, ને વીતરાગી
શાંતિ તે જ ભવના અંતનો ઉપાય છે; માટે મુમુક્ષુએ વારંવાર આવા આત્મસ્વરૂપની
ભાવના કરવી.
પ્રશ્ન:– તમે ભલે બીજાને શત્રુ કે મિત્ર ન માનો, પણ બીજા જીવો તો તમને શત્રુ કે મિત્ર
માનતા હશેને?
ઉત્તર:– હું તો બોધસ્વરૂપ અતીન્દ્રિય આત્મા છું; જેઓ અતીન્દ્રિય આત્માને નથી
જાણતા એવા અજ્ઞ જીવો તો મને દેખતા જ નથી, તેઓ માત્ર આ શરીરને દેખે છે પણ
મને નથી દેખતા, તેથી તેઓ મારા શત્રુ કે મિત્ર નથી. તેઓ આ શરીરને શત્રુ કે મિત્ર
માને તો માનો, તેથી મને શું? હું તો ચૈતન્ય છું; મને તો તેઓ દેખતા જ નથી, તો દેખ્યા
વગર શત્રુ કે મિત્ર ક્્યાંથી માને? જેને જેનો પરિચય જ નથી તે તેને શત્રુ કે મિત્ર
ક્્યાંથી માને? અજ્ઞ જનોને બોધસ્વરૂપ એવા મારા આત્માનો પરિચય જ નથી, તેમના
ચર્મચક્ષુથી તો હું અગોચર છું, તેઓ બિચારા પોતાના આત્માને પણ નથી જાણતા તો
મારા આત્માને તો ક્્યાંથી જાણે? અને મને જાણ્યા વગર મારા સંબંધમાં શત્રુ–
મિત્રપણાની કલ્પના ક્્યાંથી કરી શકે?
અને, આત્માના સ્વરૂપને જાણનારા વિજ્ઞ જનો તો કોઈને શત્રુ–મિત્ર માનતા
નથી; તેઓ તો મને પણ જ્ઞાનસ્વરૂપે જ દેખે છે એટલે મારા સંબંધમાં તેમને પણ શત્રુ–
મિત્રપણાની કલ્પના થતી નથી. સર્વે જીવોને જ્ઞાનસ્વરૂપ જાણવામાં અપૂર્વ સમભાવ છે.
સર્વ જીવ છે જ્ઞાનમય, એવો જે સમભાવ,
તે સામાયિક જાણવું, ભાખે જિનવરરાય.