Atmadharma magazine - Ank 380
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 25 of 45

background image
: ૨૨ : આત્મધર્મ : જેઠ : ૨૫૦૧
આનંદરસનો અનુભવ થાય છે, માટે તું તારા શુદ્ધ ચૈતન્યપદનો અનુભવ કર, એમ
સંતોનો ઉપદેશ છે.
અહા, જે અનંત સુખનું ધામ છે એવા ચૈતન્યસ્વભાવમાં તો તને મિત્રતા ન
રહી–તેમાં ઉત્સાહ અને પ્રેમ ન આવ્યો; ને અનંતદુઃખનું ધામ એવા જે બાહ્યવિષયો તેમાં
તને સુખબુદ્ધિ થઈ, ત્યાં તને પ્રેમ આવ્યો ઉત્સાહ આવ્યો, –એ કેવી વિચિત્રતા છે!! અરે
જીવ! હવે તારા જ્ઞાનચક્ષુને ઉઘાડ રે ઉઘાડ!! જ્ઞાનચક્ષુ ઉઘાડીને તું જો કે તારો સ્વભાવ
કેવો મજાનો આનંદરૂપ છે! તે સ્વભાવના સાધનમાં જરાય કષ્ટ નથી, ને બાહ્ય વિષયો
તરફનું વલણ એકાંત દુઃખરૂપ છે, તેમાં સ્વપ્નેય સુખ નથી.–આમ વિવેકથી વિચારીને
તારા અંર્તસ્વભાવ તરફ વળ, ને બાહ્ય વિષયોમાં સુખબુદ્ધિ છોડીને તેમનાથી નિવૃત્ત
થા...નિવૃત્ત થા. નિત્ય નિર્ભય સ્થાન અને સુખનું ધામ તો તારો આત્મા જ છે.
“સુખધામ અનંત સુસંત ચહી, દિનરાત રહે તદ્ ધ્યાનમહીં”
અનંત સુખનું ધામ એવું જે ચૈતન્યપદ તેને ચાહતા થકા સંતો દિનરાત તેના
ધ્યાનમાં રહે છે, માટે હે જીવ! દિનરાત તું તારા ચૈતન્યપદનો વિશ્વાસ કર. જગતમાં
સુખનું ધામ કોઈ હોય તો મારું ચૈતન્યપદ જ છે–એમ વિશ્વાસ કરીને, નિર્ભયપણે
સ્વભાવમાં ઝૂક...સ્વભાવની સમીપ જતાં તને પોતાને ખબર પડશે કે અહા! આ તો
મહા આનંદનું ધામ છે, આની સાધનામાં કષ્ટ નથી પણ ઉલ્ટું તે તો કષ્ટના નાશનો
ઉપાય છે...આ જ મારું નિર્ભયપદ છે, –આમ સ્વપદને દેખતાં, પૂર્વે કદી ન થયેલી એવી
તૃપ્તિ ને શાંતિ થાય છે.
સંતોની વાત ટૂંકી ને ટચ; સ્વમાં વસ ને પરથી ખસ.
અતીન્દ્રિય આત્માનો મહિમા સાંભળીને આત્મા તરફ ઝૂકાવ થતાં, બાહ્ય
ઈંદ્રિયોના વિષયો તરફનું વલણ છૂટી જાય છે. બાહ્ય વિષયો તો છૂટા જ છે, પણ
ઉપયોગનું વલણ તેના તરફથી ખસેડી આત્મસ્વભાવમાં કરવાનું છે. પહેલાંં પોતાના
પરિણામમાં જ એમ ભાસવું જોઈએ કે મારા ઉપયોગનો ઝૂકાવ પર તરફ જાય તેમાં મારું
સુખ નથી...અંતરમાં ઉપયોગનો ઝૂકાવ તે જ સુખ છે. આવા નિર્ણયપૂર્વક ઉપયોગને
અંતરમાં એકાગ્ર કરવો તે જ પરમ આનંદના અનુભવની રીત છે. એ રીતે ઉપયોગને
અંતરમાં એકાગ્ર કરતાંવેંત પોતાનું પરમાત્મતત્ત્વ પોતાને સાક્ષાત્ દેખાય છે, અનુભવાય
છે, ને અતીન્દ્રિય વીતરાગી અપૂર્વ શાંતિ વેદાય છે. તેથી શ્રીગુરુ વારંવાર કહે છે કે–
આવી અપૂર્વ શાંતિ પામવા માટે આત્માને ઓળખો.