Atmadharma magazine - Ank 380
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 28 of 45

background image
: જેઠ : ૨૫૦૧ આત્મધર્મ : ૨૫ :
ગુફામાં એક મહામુનિ ધરસેનાચાર્ય ધ્યાન કરતા હતા. તેઓ અંગો અને પૂર્વોના
એકદેશના જ્ઞાતા હતા. તેઓ મહા વિદ્વાન અને શ્રુતવત્સલ હતા. એકવાર તેઓશ્રીને
એવો ભય ઉત્પન્ન થયો કે હવે અંગ–શ્રુત વિચ્છેદ થઈ જશે...આથી તેઓને વિકલ્પ
ઉઠયો કે શ્રુતજ્ઞાન અવિચ્છિન્નપણે જયવંત રહે! અને શ્રુતનું અવિચ્છિન્નપણે વહન કરી
શકે એવા પુષ્પદંત મુનિ અને ભૂતબલિ મુનિ એ બે સમર્થ મુનિરાજો ધરસેનાચાર્ય પાસે
આવ્યા, તેઓને આચાર્યદેવ પાસેથી જે શ્રુત મળ્‌યું તે પુસ્તકારૂઢ કર્યું, અને લગભગ
૧૮૦૦ વર્ષ પહેલાંં જેઠ સુદ પ ના રોજ એ પુસ્તક (ષટ્ખંડાગમ)ની ભૂતબલિ
આચાર્યદેવની હાજરીમાં ચતુર્વિધ સંઘે અંકલેશ્વરમાં મહાન પૂજા–પ્રભાવના કરી હતી.
ત્યારથી તે તિથિએ શ્રુતની પૂજા અને મહોત્સવ થાય છે. અને તે દિવસ શ્રુતપંચમી
તરીકે પ્રસિદ્ધ છે. જૈનશાસનમાં આચાર્ય ભગવંતોની પરમ કૃપાથી એ પવિત્ર શ્રુતનો
લાભ આજે પણ આપણને મળે છે.
ત્યારપછી અધ્યાત્મશાસ્ત્રો રચાયાં. આજથી લગભગ ૧૮૦૦ વર્ષ પહેલાંં
મહાસમર્થ આચાર્ય ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે સમયસાર વગેરે પરમ અધ્યાત્મ
શાસ્ત્રોની રચના કરી; તેમાં સર્વજ્ઞદેવોની દિવ્યવાણીનું રહસ્ય સમાવી દીધું, અને એ
અપૂર્વ શ્રુતની પ્રતિષ્ઠા વડે તેઓશ્રીએ બાર અંગ અને ચૌદ પૂર્વના વિચ્છેદને ભૂલાવી
દીધો. સ્વાનુભૂતિનો અગાધ વૈભવ આચાર્યદેવે તે શાસ્ત્રોમાં ભર્યો છે.
આ રીતે, જેમ નિશ્ચય શ્રુતજ્ઞાન આજે અવિચ્છિન્નપણે વર્તે છે તેમ, વ્યવહાર
શ્રુત (દ્રવ્યશ્રુત) પણ અવિચ્છિન્નપણે વર્તી રહ્યું છે. પરંતુ–
આજે આપણી પાસે વિપુલ શ્રુતભંડાર શાસ્ત્રરૂપે વિદ્યમાન હોવા છતાં, –તેનો
અંતરંગ મર્મ તો શ્રુતજ્ઞાની પુરુષોના હૃદયમાં ભરેલો છે. શ્રીમદ્ રાજચંદ્રજી કહી ગયા છે
કે શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, પણ તેનો મર્મ તો જ્ઞાની પાસે છે; જ્ઞાનીના સમાગમે
શાસ્ત્રનો મર્મ સમજીને જે શુદ્ધાત્માની સ્વાનુભૂતિ કરે છે તેના આત્મામાં શ્રુતજ્ઞાન
સદાય જીવંત છે; તેને શ્રુતનો કદી વિરહ નથી.
સત્શ્રુતના એકેક સૂત્રમાં ભરેલા બાર અંગ અને ચૌદ પૂર્વના મૂળભૂત રહસ્યોને
તો સાક્ષાત્ શ્રુતમૂર્તિ જ્ઞાનીઓ જ પ્રગટ કરી શકે. આજે એવા શ્રુતમૂર્તિ જ્ઞાની–સંતો
પાસેથી આપણને એ શ્રુતનું રહસ્ય મળી રહ્યું છે તે આપણું સૌભાગ્ય છે...એવા
શ્રુતમૂર્તિની ઉપાસના વડે સત્શ્રુતની પ્રાપ્તિ થાય છે. ને મોક્ષમાર્ગ ખુલે છે. આવું
આત્મહિતકારી સત્શ્રુત સદાય જયવંત રહીને જગતનું કલ્યાણ કરો–એ જ મંગળ ભાવના!!!