Atmadharma magazine - Ank 380
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 30 of 45

background image
: જેઠ : ૨૫૦૧ આત્મધર્મ : ૨૭ :
નીકળ્‌યો ત્યારે શુભરાગરૂપ કષાયભાવ થયો, તેનાથી પુણ્ય બંધાયા, ને તેના ફળમાં
લક્ષ્મી વગેરે પુદ્ગલનો સંયોગ મળ્‌યો; આ રીતે ગુણની વિકૃતિનું જે ફળ તેમાં ધર્મી હોંશ
કેમ કરે? –તેમાં સુખ કેમ માને? અરે, શાંતિ માટે મારે કોઈ બહારના સંયોગની જરૂર
જ ક્્યાં છે? મારું જ્ઞાન પોતે પરમ શાંતિસ્વરૂપ છે; તેમાં રાગ કે રાગનાં ફળ નથી.
–આ પ્રમાણે જાણીને હે જીવ! તું તારા ગુણનો હર્ષ કર, પ્રમોદ કર; ચૈતન્યસ્વરૂપ
ભગવાન આત્મામાં એકાગ્ર થઈને વીતરાગી શાંતિની પ્રસન્નતા પ્રગટ કર! ચૈતન્યથી
વિરૂદ્ધ એવા રાગના ફળમાં પ્રસન્નતા કરવી તે તો મિથ્યાદ્રષ્ટિનો ભાવ છે. સમ્યગ્જ્ઞાન
થયા પછી અલ્પ હર્ષ–શોક થાય તે કાંઈ પુણ્ય–પાપના ફળરૂપ સંયોગને ઈષ્ટ–અનિષ્ટ
માનીને થતા નથી, તેમજ જ્ઞાનને ભૂલીને તે હર્ષ–શોક થતા નથી. આવા સમ્યગ્જ્ઞાન–
પૂર્વક જેણે પુણ્ય–પાપમાં હર્ષ–શોકની બુદ્ધિ છોડીને સમભાવ પ્રગટ કર્યો છે તેને જ પછી
શ્રાવકનાં વ્રત કે મુનિનાં મહાવ્રત હોય છે. સમ્યગ્જ્ઞાન વગર તો શ્રાવકપણું કે મુનિપણું
હોતું નથી; તેથી શાસ્ત્રોમાં સમ્યગ્જ્ઞાન પછી તેનું વર્ણન કર્યું છે.
ધન–કીર્તિ–દુકાન–મકાન–હોદે–નિરોગતા એ બધા સંયોગ કાંઈ જ્ઞાનનું કાર્ય
નથી, તે તો કર્મનું કાર્ય છે; તેમાં હરખ ન કર. તારા જ્ઞાનની જાત તે નથી. તેમજ રોગ–
નિર્ધનતા–અપજશ વગેરે પ્રતિકૂળતા આવે તે પાપકર્મનું કાર્ય છે, તે કાંઈ જ્ઞાનનું કાર્ય
નથી; માટે તે પ્રતિકૂળ સંયોગમાં હતાશ ન થા, વિષાદ ન કર, પુણ્ય ને પાપ બંનેથી જુદું
ચૈતન્યસ્વરૂપ પરમ નીરાકૂળ છે તેને તું લક્ષમાં લે, ને તેને જ અંતરમાં ધ્યાવ. જ્ઞાનને
જોતાં ને તેનો સ્વાદ ચાખતાં તને પુણ્ય–પાપ બંનેમાંથી રસ ઊડી જશે. આનંદસ્વરૂપના
વેદનથી આત્મા પોતે સંતુષ્ટ થશે; તેમાં જ સાચી પ્રસન્નતા છે, ને ત્યાં પુણ્ય–પાપ
બંનેમાં સમતા છે.
જીવે અનાદિથી પુણ્ય સારું–એમ માનીને તેમાં હર્ષ કર્યો, ને પાપ ખરાબ–એમ
માનીને તેમાં ખેદ કર્યો, –પણ શાંતિ ક્્યાંય ન મળી. જ્ઞાની તો બંનેથી પાર ચૈતન્યને
જાણીને તેમાં એકાગ્રતાથી શાંતિને વેદે છે. હું મારી શાંતિને, મારા ધર્મને સાધી રહ્યો છું–
પછી સંયોગમાં હર્ષ–શોક શો?
ધર્મીનેય કોઈવાર પાપના ઉદયથી રોગાદિ પ્રતિકૂળતા હોય, આજીવિકાની
મુશ્કેલી હોય, અપમાન થતું હોય, તેથી કાંઈ તેને ધર્મમાં શંકા પડતી નથી, કેમકે જ્ઞાન
તો સંયોગથી જુદું જ છે. વળી અજ્ઞાનીને પુણ્યનો ઉદય દેખાય ને જ્ઞાનીને પાપનો ઉદય
દેખાય, અજ્ઞાની રાજા હોય ને જ્ઞાની ગરીબ હોય–તેથી કાંઈ ધર્મી મુંઝાતા નથી.