સંસારમાં પુણ્ય–પાપના ખેલ તો આવા જ હોય; મારું જ્ઞાન તો તેનાથી જુદું જ છે.
સંકલ્પ–વિકલ્પની જાળ થાય તેને પણ તોડીને સ્વરૂપની શાંતિમાં વિશેષ એકાગ્ર કેમ
થવાય, તેની જ ધર્મીને ભાવના છે. પુણ્ય–પાપના ઉદયથી સંયોગમાં અનુકૂળતાના
ઢગલા હોય કે પ્રતિકૂળતાનો પાર ન હોય, તેને કારણે પોતાને જરાય સુખી–દુઃખી તે
માનતા નથી. અમારું સુખ અમારા આત્મામાં છે, તે પુણ્ય–પાપ વગરનું છે; એ સુખને
અમે અમારા સમ્યગ્જ્ઞાનવડે સાધી જ રહ્યા છીએ, તેથી પુણ્ય–પાપ બંનેના સંયોગપ્રત્યે
સમભાવ છે. પુણ્ય હો કે પાપ, તેને જ્ઞાનથી જુદા જ જાણ્યા છે, એટલે સમ્યગ્જ્ઞાન પોતે
હર્ષ–ખેદમાં જોડાઈ જતું નથી. આ રીતે જ્ઞાનને પુણ્ય–પાપથી જુદું જાણીને હે ભવ્ય
જીવો! તમે નિશ્ચયથી જ્ઞાનસ્વરૂપ આત્માને જ અંતરમાં નિરંતર ધ્યાવો; તે જ લાખો
વાતોનો સાર છે. બધું કરીકરીને પણ જો આત્માને ન જાણ્યો તો બધું અસાર છે–નકામું
છે. જેણે આત્મા જાણ્યો તેણે સારભૂત બધું કરી લીધું.
હોય ત્યાં બાહ્યસંપદાના ઢગલા હોય તોપણ તેથી શું? રત્નકરંડ–શ્રાવકાચાર માં પણ એ
વાત કરી છે. (ગાથા ૨૭) જો મારે સમ્યક્ત્વાદિવડે આસ્રવનો નિરોધ છે તો તેના
ફળમાં કેવળજ્ઞાનાદિ અનંત ચૈતન્યસંપદા મને સહેજે મળશે, પછી બાહ્ય સંપદાનું શું કામ
છે? અને બાહ્યસંપદા ખાતર જો પાપકર્મનો આસ્રવ થતો હોય તો એવી બાહ્યસંપદાને
મારે શું કરવી છે? હું ભગવાન આત્મા પોતે બેહદ ચૈતન્યસંપદાનો ભંડાર છું–એમ
આત્માનાં સમ્યક્ શ્રદ્ધાજ્ઞાનાદિ કર્યાં તે શ્રાવકનાં રત્નો છે. આવા અચિંત્ય રત્નનો
પટારો મારી પાસે છે તોપછી મારે બહારની જડલક્ષ્મીનું શું કામ છે? સમ્યક્ત્વાદિના
પ્રતાપે મારા અંતરમાં સુખ–શાંતિરૂપ સમૃદ્ધિ વર્તે જ છે, પછી મારે બીજા કોઈનું શું કામ
છે? અને જેને અંતરમાં શાંતિ નથી, સમ્યગ્દર્શન–જ્ઞાનાદિ રત્નોની સંપદા જેના અંતરમાં
નથી, તો બહારની સંપદાના ઢગલા તેને શું કરશે? સાચી સંપદા તો તે છે કે જેનાથી
આત્માને શાંતિ મળે; એટલે આત્માના સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન–વીતરાગતા તે જ સાચી સંપદા
છે. આવી સંપદાવાળા સુખીયા ધર્માત્મા બહારની અનુકૂળતા–પ્રતિકૂળતા બંનેને પોતાથી
જુદી જાણે છે, એટલે તેને તેમાં હર્ષ–શોક થતો નથી, જ્ઞાન જુદું ને જુદું રહે છે. આવું
સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન અંતરમાં પ્રગટ કરવું તે બધાનો સાર છે.