: જેઠ : ૨૫૦૧ આત્મધર્મ : ૨૯ :
મૂઢ લોકો બાહ્ય લક્ષ્મીને જ સર્વસ્વ માને છે, તે લક્ષ્મી ખાતર અડધું જીવન વેડફી દે
છે ને અનેકવિધ પાપ બાંધે છે, છતાં તેમાં સુખ તો કદી મળતું નથી. બાપુ! જ્ઞાનાદિ અનંત
ચૈતન્યરૂપ તારી સાચી લક્ષ્મી તારા આત્મામાં ભરી જ છે; તેને દેખ! તારી ચૈતન્યસંપદામાં
બહારની અનુકૂળતા કે પ્રતિકૂળતા કેવી? આવી ચૈતન્યસંપદાના ભાન વગર સાચી શાંતિ કે
શ્રાવકપણું હોય નહીં. સમ્યગ્દ્રષ્ટિની દશા પુણ્ય–પાપથી જુદી હોય છે. સમ્યગ્દર્શનના પ્રતાપે
ત્રણલોકમાં શ્રેષ્ઠ સંપદારૂપ સિદ્ધપદ મળે છે, પછી બીજી કોઈ સંપદાનું શું પ્રયોજન છે?
બાહ્યસંપદા એ ખરેખર સંપદા જ નથી.
અરે જીવ! પાપના ફળમાં તું દુઃખી ન થા, હતાશ ન થઈ જા. તે વખતે પ્રતિકૂળ
સંયોગથી જ્ઞાન જુદું છે તેને ઓળખ પાપનો ઉદય આવતાં ચારેકોરથી પ્રતિકૂળતા આવી પડે,
સ્ત્રી–પુત્ર મરી જાય, ભયંકર રોગ–પીડા થાય, ધન ચાલ્યું જાય, ઘર બળી જાય, નાગ કરડે,
મહા અપજશ–નિંદા થાય, અરે! નરકનો સંયોગ આવી પડે (શ્રેણીક વગેરે અસંખ્ય
સમ્યગ્દ્રષ્ટિજીવો નરકમાં છે), –એમ એક સાથે હજારો પ્રતિકૂળતા આવે તોપણ સમ્યગ્દ્રષ્ટિ
પોતાના જ્ઞાનસ્વરૂપની શ્રદ્ધાને છોડતો નથી. ભાઈ, એ સંયોગમાં ક્્યાં આત્મા છે? આત્મા
તો જુદો છે, ને આત્માનો આનંદ આત્મામાં છે, –પછી સામગ્રીમાં હર્ષ–શોક શો? તારી
સહનશક્તિ ઓછી હોય તોપણ આવા શ્રદ્ધા–જ્ઞાન તો જરૂર રાખજે; તેનાથી પણ તને
ચૈતન્યની અપૂર્વ શાંતિનું વેદન રહેશે.
વળી જેમ પ્રતિકૂળતાથી જુદાપણું કહ્યું તેમ પુણ્યના ફળમાં ચારેકોરની અનુકૂળતા
હોય–સ્ત્રી–પુત્રાદિ સારાં હોય, ચારેકોર યશ ગવાતા હોય, અરે! દેવલોકમાં ઉત્કૃષ્ટ
સર્વાર્થસિદ્ધિની ઋદ્ધિ હોય, –તોપણ તેથી શું? તે સંયોગમાં ક્્યાં આત્મા છે? આત્મા તો જુદો
છે; આત્માનો આનંદ આત્મામાં છે–એમ ધર્મી જાણે છે ને તેના જ્ઞાનમાં તેનું જ વેદન વર્તે છે.
પુણ્યફળને કારણે તે પોતાને સુખી માનતા નથી. જેમ કોઈ અરિહંતોને તીર્થંકર પ્રકૃતિના
ઉદયથી સમવસરણાદિનો અદ્ભુત સંયોગ હોય છે, પણ તેને કારણે કાંઈ તે અરિહંત ભગવાન
સુખી નથી, તેમનું સુખ તો આત્માના કેવળજ્ઞાનાદિ પરિણમનથી જ છે, એટલે તે ‘સ્વયંભૂ’
છે, તેમાં કોઈ બીજાની અપેક્ષા નથી; તેમ નીચલી દશામાં પણ સર્વત્ર સમજવું. સમ્યગ્દ્રષ્ટિ
પોતાના શુદ્ધ ચૈતન્યપરિણમનથી જ સુખી છે; પુણ્યથી કે બાહ્ય સંયોગથી નહીં.
ભાઈ, સંસારમાં પુણ્ય–પાપનાં ફળ એ તો ચલતી–ફિરતી છાયા જેવા છે. આજ મોટો
ઝવેરી હોય ને કાલે ભિખારી થઈને પૈસા માંગતો હોય; આજે ભીખારી હોય ને કાલે મોટો
રાજા થઈ જાય, –એ ક્્યાં જ્ઞાનનું કામ છે? ને એમાં ક્્યાં કાંઈ નવું છે? એ તો જડ–
પુદ્ગલની રમત છે. આત્મા તો જ્ઞાનસ્વરૂપ છે, તેમાં નથી તો પુણ્ય કે નથી પાપ; પુણ્ય–
પાપના કારણરૂપ રાગ પણ તેના જ્ઞાનસ્વભાવમાં નથી. આવા પોતાના સ્વરૂપને કરોડો ઉપાયે
પણ ઓળખવું, અને જગતની ઝંઝટ છોડીને અંતરમાં ધ્યાવવું–તે જ લાખો વાતોનો સાર છે.