: ૩૦ : આત્મધર્મ : જેઠ : ૨૫૦૧
અહો, જ્ઞાનનો દિવ્ય મહિમા!
આત્મા સર્વજ્ઞસ્વભાવી છે; તે સર્વજ્ઞરૂપે પરિણમીને જ્યારે પૂરું જાણે ત્યારે તે
આત્માને પૂર્ણ કહીએ છીએ. અધૂરું જાણે ને પૂરું ન જાણે તો તે જીવ પોતાના
જ્ઞાનસ્વરૂપે પૂરો પરિણમ્યો નથી, ક્ષાયિકજ્ઞાન તેને થયું નથી, એટલે ત્યાં પરિપૂર્ણ
અતીન્દ્રિયસુખ પણ નથી.
અહો, સર્વજ્ઞતારૂપે પરિણમતું ક્ષાયિકજ્ઞાન તો પરિપૂર્ણ અતીન્દ્રિયસુખથી ભરેલું
છે, તેના અગાધ મહિમાની શી વાત? ભલે પર્યાય છે, પણ તે પૂર્ણસ્વભાવરૂપે
પરિણમેલી છે. પર્યાય છે–માટે તેનો મહિમા ન હોય–એવું કાંઈ નથી. કેવળજ્ઞાનને માટે
કુંદકુંદસ્વામી પોતે કહે છે કે ‘अहो हि णाणस्स माहप्पं’ અહો, જિનદેવના જ્ઞાનનો કેવો
મહિમા! અમૃતચંદ્રસ્વામી પણ કહે છે કે ‘क्षायिकं ही ज्ञानम् अतिशयास्पदीभूत
परममाहात्म्यं’ ખરેખર ક્ષાયિકજ્ઞાનનો અતિશય–આશ્ચર્યકારી સર્વોત્કૃષ્ટ પરમ મહિમા
છે. આવા જ્ઞાનનો જેને મહિમા આવે તેને અન્ય રાગાદિ કોઈ પણ ભાવનો મહિમા
આવે નહિ, ને જ્ઞાનને જ મહિમાવંત અનુભવતો થકો તે આત્માના ઉપશમભાવને પ્રાપ્ત
કરે છે. –ભલે ક્ષયોપશમજ્ઞાન હોવા છતાં તે જ્ઞાન આત્માના સ્વભાવને અવલંબીને
અતીન્દ્રિયપણે પરિણમે છે, તેની સાથે અતીન્દ્રિય આનંદ પણ હોય છે. –આવી
સમ્યગ્દ્રષ્ટિ સાધકની દશા છે.
અહા, મારો ચેતનસ્વભાવ જગતથી ન્યારો કેવો અદ્ભુત ને કેવો વીતરાગ છે!
–તે પરમાત્માને કે પરમાણુને રાગ–દ્વેષ વગર જાણી લ્યે છે; પરમાત્માને જાણતાં જ્ઞાન
તેના ઉપર રાગ કરતું નથી, કે પરમાણુને જાણતાં જ્ઞાન તેના ઉપર દ્વેષ કરતું નથી;
પરમાત્મા અને પરમાણુ બંનેને પોતાના અતીન્દ્રિય સામર્થ્યવડે જાણવા છતાં જ્ઞાન તે
બંનેથી જુદું પોતાના શાંત સ્વરૂપમાં જ રહે છે. –આવી અદ્ભુત તાકાત જ્ઞાનમાં છે.
જ્ઞાન તો રાગ–દ્વેષથી જુદી જાતનું વીતરાગસ્વરૂપ જ છે.
અહા! જ્ઞાન કોને કહેવાય? જ્ઞાન તો મધુર ચૈતન્યસ્વાદવાળું છે, અનંતાગુણનો
રસ તેમાં ભર્યો છે. આવા મીઠા ચૈતન્યસ્વાદને અનુભવતો જ્ઞાની, તે પોતાના જ્ઞાનના
સ્વાદમાં રાગાદિ કડવાશને જરાપણ ભેળવતો નથી.
આવું અદ્ભુત જ્ઞાન તે જગનું શિરતાજ છે.
વીરનિર્વાણના આ અઢીહજારમા વર્ષમાં ઉત્તમ જ્ઞાનની આરાધના કરો.