બીજો મુમુક્ષુ: ચક્રવર્તીને ૯૬૦૦૦ રાણીઓનો ને છખંડનો પરિગ્રહ ભેગો કરતાં
ભેગો નથી થતો; જ્યારે તે ૯૬૦૦૦ રાણીઓ ને છખંડ વગેરે બધોય પરિગ્રહ
છોડવામાં તો એક ક્ષણ જ લાગે છે; તેમાં વર્ષો નથી લાગતા. જ્યાં ચૈતન્યમાં
વિરક્તદશા જાગી કે એક ક્ષણમાં બધું છોડીને સંસારથી દૂર ભાગ્યા. બસ,
તેવી રીતે મોટું જ્ઞાન કે નાનું જ્ઞાન બંને એક જાત છે, એટલે જેમ કેવળજ્ઞાન
રાગથી જુદું છે તેમ સાધકનું નાનું જ્ઞાન પણ રાગથી જુદું જ છે. એક જ પિતાના
બે પુત્રોની જેમ કેવળજ્ઞાન અને મતિજ્ઞાન બંને જ્ઞાનની જ જાત છે, એક જ્ઞાનનું
જ પરિણમન છે, જેમ કેવળજ્ઞાનમાં રાગનું કર્તૃત્વ નથી તેમ સમ્યગ્દ્રષ્ટિના મતિ–
શ્રુતજ્ઞાનમાં પણ જ્ઞાનથી ભિન્ન રાગાદિનું કર્તૃત્વ નથી. જ્ઞાનસ્વભાવમાં જ
તન્મય પરિણમતું તેનું જ્ઞાન પણ કેવળજ્ઞાનની જેમ જ રાગનું ને પરનું જ્ઞાતા છે,
તેનાથી જુદું રહીને તેને જાણે છે. આવું જ્ઞાન અતીન્દ્રિયસુખને સાથે લેતું પ્રગટે
છે, ને પછી વધતું–વધતું કેવળજ્ઞાનરૂપ થઈને મહાન સર્વોત્કૃષ્ટ સુખને સાધે છે.
અહો, એ જ્ઞાન અને એ સુખના મહિમાની શી વાત! આવા જ્ઞાનસ્વભાવને
ઓળખીને તેનું સેવન કરો.