: ૧૬ : આત્મધર્મ : અષાઢ : ૨૫૦૧
પોપટિયા જ્ઞાનવડે દુઃખમાંથી
આત્માની રક્ષા નહિ થાય.
ચૈતન્યપરિણમન વડે જ આત્માની રક્ષા થશે.
આત્માને સમજાય અને જે સમજતાં આત્માને શાંતિ થાય–એવી આ વાત છે,
એકકોર વીતરાગી શાંતરસનો દરિયો, બીજીકોર સંસારના રાગરૂપી દાવાનળ,–તે બંનેને
ભિન્ન જાણનારું સમ્યગ્જ્ઞાન રાગના દાવાનળને બુઝાવી નાંખે છે, ને આત્માને શાંતિમાં
ઠારે છે. જ્યાં આવું સમ્યગ્જ્ઞાન થયું ત્યાં જ્ઞાનીને રાગની મજા ઊડી ગઈ, હવે તેને
જ્ઞાનની અતીન્દ્રિય શાંતિમાં જ મજા આવે છે. આવી શાંતિના વેદન વગર આત્માને કદી
કષાયો શાંત પડે જ નહીં,–ભલે ત્યાગી થાય, વ્રત પાળે કે શાસ્ત્રોનું રટણ કરે,–એ તો
બધું પોપટિયું જ્ઞાન છે.
* પોપટીયું જ્ઞાન એટલે શું?
એક હતો પોપટ. તેના માલિકે તેને બોલતાં શીખડાવ્યું કે ‘બિલ્લી આવે તો ઊડી
જવું....બિલ્લી આવે તો ઊડી જવું....’ એકવાર ખરેખર બિલાડી આવી, ને પોપટને
મોઢામાં પકડ્યો, તોપણ બિલાડીના મોઢામાં પડ્યો–પડ્યો પણ તે પોપટ ગોખે છે કે
‘બિલ્લી આવે તો ઊડી જવું....બિલ્લી આવે તો....’ એ ગોખવું શું કામનું! એ
ગોખણપટ્ટીથી કાંઈ પોતાની રક્ષા થતી નથી. તેમ અંદર ચૈતન્યતત્ત્વ શું છે તેના ભાન
વગર “શાસ્ત્રમાં આમ કહ્યું છે, રાગને દુઃખદાયક કહ્યો છે, આત્માને જ્ઞાનસ્વરૂપ કહ્યો
છે” એમ પોપટની જેમ રટયા કરે કે અંદર તેવા વિકલ્પો કર્યા કરે, પણ ખરેખર
વિકલ્પથી પાર થઈને અંતરના ચૈતન્યતત્ત્વમાં પરિણામ જોડે નહિ તો શાંતિ ક્્યાંથી
થાય? બિલાડીના મોઢાની જેમ તે મિથ્યાત્વના મોઢામાં જ ઊભો રહીને ગોખે છે કે
‘વિકલ્પથી જુદા પડવું...જ્ઞાનરૂપ થવું’ પણ ખરેખર જુદો તો પડતો નથી, જ્ઞાનરૂપ થતો
નથી, તો એકલા શાસ્ત્ર ગોખ્યે કાંઈ શાંતિનું વેદન થાય નહીં; અંદર તેવા ભાવરૂપ
પરિણમન થવું જોઈએ. અને જેની ચેતના રાગથી જુદી પડી ગઈ છે ને સમ્યગ્જ્ઞાનરૂપ
પરિણમન થયું છે તેણે ‘રાગથી જુદો છું...’ એમ ગોખવું ન પડે; જ્ઞાનને ટકાવવા માટે
વિકલ્પ ન કરવા પડે. જેમ કોઈ પોપટને ‘બિલાડી આવે તો ઊડી જવું’ એમ બોલતાં
ભલે ન આવડે,–પણ બિલાડીનો પ્રસંગ આવે ત્યાં પોતે દૂર ભાગી જાય તો તેની રક્ષા જ
થાય છે; તેમ શાસ્ત્રભણતર ભલે ઝાઝું ન હોય, પણ રાગ અને જ્ઞાનની ભિન્નતા જાણીને
જેની પરિણતિ ચૈતન્યભાવરૂપે પરિણમી ગઈ છે તેનું જ્ઞાન તો દરેક પ્રસંગે વિકલ્પથી
જુદાપણે જ ચૈતન્યમાં વર્તે છે, એટલે જન્મ–મરણથી તેની રક્ષા થાય છે.