: અષાઢ : ૨૫૦૧ આત્મધર્મ : ૧૯ :
હું કર્તા થઈને બીજાના દ્રવ્ય–ગુણ–પર્યાયમાં કાંઈ કરું,
કે બીજો કર્તા થઈને મારા દ્રવ્ય–ગુણ–પર્યાયમાં કાંઈ કરે,
–એવો સ્વ–પરની એકતાનો મોહ ધર્મીજીવને જરાપણ થતો નથી. માટે મુમુક્ષુએ
સ્વ–પરના વિભાગની સિદ્ધિ માટે પોતાના આવા દ્રવ્ય–ગુણ–પર્યાયમય સ્વરૂપ–
અસ્તિત્વને પદે–પદે અવધારવું–નિશ્ચિત કરવું–એમ જિનપ્રવચનનો ઉપદેશ છે.
ચેતન કે અચેતન–બધાય પદાર્થો પોતપોતાના ઉત્પાદ–વ્યય–ધુ્રવસ્વભાવવાળા છે;
તે સ્વભાવમાં જ તેમનું અસ્તિત્વ છે.
મારા ઉત્પાદ–વ્યય–ધુ્રવસ્વભાવને હું પરથી ભિન્ન જાણું છું, મારા સ્વભાવમાં જ
મારું અસ્તિત્વ છે.
–આવી ભિન્નતા જાણનારું જ્ઞાન પોતાના અગાધ–ગંભીર સ્વરૂપને પોતામાં જ
દેખતું થકું તેની અતીન્દ્રિય શાંતિને વેદે છે; એટલે સમ્યગ્જ્ઞાન છે તે અતીન્દ્રિય આનંદની
છાપવાળું છે.
અહો, જુઓ તો ખરા સર્વજ્ઞના માર્ગનું વિજ્ઞાન! પદાર્થના સ્વરૂપનું આ વિજ્ઞાન
જીવને મોહ દૂર કરીને વીતરાગતા કરાવે છે, વીતરાગતા કરાવીને અતીન્દ્રિય સુખ આપે
છે. જિનમાર્ગનું આવું વીતરાગી વિજ્ઞાન નિરંતર અભ્યાસ કરવા જેવું છે.
* * * * *
* નુતન જીવનની શરૂઆત, ને પૂર્વજીવનનો અંત તેને લોકો મૃત્યુ
અથવા જન્મ કહે છે.
* ‘મૃત્યુ’ એ તો આત્માની પર્યાયનું પરિવર્તન છે, તેમાં કાંઈ
આત્માનો નાશ નથી થઈ જતો.
* મૃત્યુ એ તો નુતનજીવનનો પ્રારંભ છે–તો પછી તેમાં ભય શો?
ઉત્સાહથી નવું જીવન શરૂ કરો.
* આ ભવની પૂર્ણતા (મરણ), અને બીજા ભવની (–કે મોક્ષની)
શરૂઆત (નવું જીવન) તેની વચ્ચે કાંઈ જરાય આંતરું નથી;
એટલે જીવની જીવનધારાનો પ્રવાહ અનાદિઅનંતકાળમાં વચ્ચે
ક્્યાંય ક્ષણમાત્ર પણ તૂટતો નથી. જીવનતત્ત્વની આવી સળંગતા
દેખનારને મરણભય હોતો નથી.