Atmadharma magazine - Ank 381
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 31 of 53

background image
: ૨૮ : આત્મધર્મ : અષાઢ : ૨૫૦૧
મુમુક્ષુબેન:–હે માતા! શું આ આત્મા અને પરમાત્મા બંને સરખા છે?
માતાજી:–હા, બહેન! સ્વભાવથી તો સરખા છે; ને તેને ઓળખીને જો આત્મા
પુરુષાર્થ કરે તો તે પોતે જ પરમાત્મા થઈ જાય છે. પરમાત્મપણું કાંઈ બહારથી નથી
આવતું.
મુમુક્ષુબેન:–માતા, આપણો સ્ત્રીનો આત્મા પણ ભગવાન થઈ શકે?
માતાજી:–હા, ભગવાન થયા તેઓ પણ પહેલાંં તો આપણી જેમ સંસારી જ હતા;
તેઓ આત્મસ્વરૂપ ઓળખીને, તેને સાધીને સિદ્ધ થયા, અને આજે સિદ્ધાલયમાં બિરાજે
છે. સ્ત્રીપર્યાયમાં પણ આત્માને ઓળખીને મોક્ષની સાધના શરૂ થઈ શકે છે; ને પછી
સ્ત્રીપર્યાય છેદીને તે સાધના પૂર્ણ કરતાં આપણો આત્મા ભગવાન થઈ શકે છે.
મુમુક્ષુબેન:–વાહ માતા! કેવી આનંદની વાત છે! ખરેખર આપે આજે અમને
ઉત્તમ માર્ગ બતાવીને ઉપકાર કર્યો છે. અમે આત્માની સાધના જલદી કરીએ ને અમારો
આ સંસારભ્રમણનો થાક ઊતરી જાય–તે માટે અમને વિશેષ ઉપદેશ આપો!
માતાજી:–સાંભળ બેન! આત્માની ઊંડી જિજ્ઞાસાથી ધર્માત્માનો સંગ કરવો
જોઈએ; સંસારનો પરિચય જેમ બને તેમ ઓછો કરીને સાધર્મીનો પરિચય વધારવો
જોઈએ. જિનમંદિરે જઈને હંમેશાં બહુમાનથી અરિહંત દેવનું સ્વરૂપ વિચારવું. સર્વજ્ઞ–
વીતરાગ–દેવનું સ્વરૂપ કેવું છે! તેમના અને મારા સ્વરૂપમાં કયા પ્રકારે સમાનતા છે ને
કયા પ્રકારે ફેર છે! તેના વિચારથી આત્માનું શુદ્ધ સ્વરૂપ સમજી, સમ્યગ્દર્શનનો ઘણો
ઊંડો પ્રયત્ન કરવો જોઈએ.
મુમુક્ષુબેન:–માતાજી, આવી સ્ત્રીપર્યાયમાં સમ્યગ્દર્શન પામવું અઘરૂં ન પડે?
માતાજી:–બેન, આત્માની સાચી લગનીથી પ્રયત્ન કરે તો સ્ત્રીપર્યાયમાં પણ
સમ્યગ્દર્શન જરૂર થાય છે. જો ને! વીરપ્રભુના સંઘમાં આ ૩૬૦૦૦ આર્યિકાઓ છે તે
બધા સ્ત્રીઓ જ છેને! છતાં આત્માને ઓળખીને તે બધા કેવી મજાની આત્મસાધના
કરી રહ્યા છે! સ્ત્રીપર્યાય દેખીને મુંઝાવું નહિ, પણ આત્માની જિજ્ઞાસા વધારવી.
સ્ત્રીપર્યાયમાં કેવળજ્ઞાન ન થાય પણ આત્મજ્ઞાન તો થઈ શકે. જુઓ,
મહાવીરભગવાનના જીવને સિંહની પર્યાયમાં સમ્યગ્દર્શન થયું; પાર્શ્વનાથભગવાનના
જીવે હાથીના ભવમાં સમ્યગ્દર્શન કર્યું; તોપછી આ તો મનુષ્યઅવતાર મળ્‌યો છે!–માટે
તેમાં ઉત્સાહથી વીતરાગી દેવ–ગુરુ–ધર્મની ખરી સેવા કરીને આત્માનું સ્વરૂપ સમજવું ને
સમ્યગ્દર્શન પ્રગટ કરીને આત્માને મોક્ષમાર્ગની સાધનામાં જોડી દેવો.