Atmadharma magazine - Ank 381
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 32 of 53

background image
: અષાઢ : ૨૫૦૧ આત્મધર્મ : ૨૯ :
મુમુક્ષુબેન:–માતાજી! આપની મીઠી વાણી સાંભળતાં જ આત્મામાં સમ્યગ્દર્શન
માટે ઝણઝણાટ થઈ જાય છે,–જાણે હમણાં જ આત્માને અનુભવી લઈએ ને સમ્યગ્દર્શન
પામી લઈએ!
માતાજી:–અહા, સમ્યગ્દર્શનમાં તો ઘણી–ઘણી ગંભીરતા છે. સમ્યગ્દર્શન થતાં
ચૈતન્યસ્વરૂપી આખો આત્મા જેવડો છે તેવડો પૂરેપૂરો જ્ઞાનમાં–શ્રદ્ધામાં આવી જાય છે,
તેના અનંત ગુણોનો સ્વાદ અનુભૂતિમાં આવી જાય છે; પછી નિરંતર કોઈ અપૂર્વ શાંતિ
વેદાય છે. સમ્યગ્દર્શનમાં વીતરાગતા છે. સમ્યગ્દર્શન થતાં અપૂર્વ હિત અને મોક્ષનો
માર્ગ શરૂ થઈ જાય છે. એને માટે વારંવાર જિજ્ઞાસાથી સત્સંગ અને અનુભૂતિનો પ્રયોગ
જરૂરી છે. એ જ સંતગુરુઓની શિખામણ છે, એ જ તેમના આશીર્વાદ છે. અને જે એમ
કરે તેણે જ દેવ–ગુરુને સાચા સ્વરૂપે ઓળખ્યા કહેવાય, ને તેનું જ મનુષ્યપણું સાર્થક
થાય.
મુમુક્ષુબેન:–વાહ માતા! સમ્યગ્દર્શનનો મહિમા ખરેખર અદ્ભુત આશ્ચર્યકારી છે.
એ જ શીઘ્ર કરવા જેવું છે–પણ તે ન થાય ત્યાંસુધી અમારે શું કરવું?
માતાજી:–બેન, તારી જિજ્ઞાસા સારી છે. સમ્યગ્દર્શન વગર તો આત્માના
કલ્યાણનો બીજો કોઈ ઉપાય ત્રણકાળ–ત્રણલોકમાં નથી; માટે જ્યાંસુધી સાક્ષાત્
સમ્યગ્દર્શનની અનુભૂતિ ન થાય ત્યાંસુધી આત્માની લગનીથી વધુ ને વધુ રસપૂર્વક
નિરંતર તેનો પ્રયત્ન કર્યા જ કરવો. આત્માની સાચી લગની અને સાચી ભાવના કદી
નિષ્ફળ જતા નથી, તેનું ઉત્તમફળ આવે જ છે. માટે ઊંડીઊંડી ધગશથી આત્મસ્વભાવની
સાચી સમજણનો ને તેની અનુભૂતિનો પ્રયોગ કરવામાં લાગ્યા રહેવું–તે જ
સમ્યગ્દર્શનનો સાચો–સરળ ને સુખકર ઉપાય છે. જૈનધર્મ પામીને જેને આત્મસ્વભાવની
સાચી રુચિ જાગી છે ને સમ્યગ્દર્શનનો મહિમા જાણીને તેની ઝંખના થઈ છે તેનો પ્રયત્ન
કદી નકામો નહિ જાય. ચૈતન્યસ્વભાવની રુચિપૂર્વક તેનું જ્ઞાન અને અનુભૂતિ કરવા
માટે જે વારંવાર અભ્યાસ કરે છે તે જીવને ક્ષણેક્ષણે મિથ્યાત્વનો રસ તૂટતો જાય છે ને
ચૈતન્યનો રસ વધતો જાય છે, તેની એકક્ષણ પણ નકામી નથી જતી, મોહને તોડવાનું
કાર્ય ક્ષણેક્ષણે તેને થયા જ કરે છે. જેને સ્વભાવની હોંશ જાગી, ને જ્ઞાનની ધારા
સ્વભાવસન્મુખ ઉપડી તે જીવને અનંતકાળમાં પૂર્વે નહિ થયેલ એવી અપૂર્વ નિર્જરા શરૂ
થઈ જાય છે. એવા જીવોને માટે શ્રી પદ્મનંદીમુનિરાજને કહ્યું છે કે –
‘ચિત્તમાં ચૈતન્યસ્વરૂપ આત્માની પ્રીતિપૂર્વક જેણે તેની વાર્તા પણ સાંભળી છે તે