: શ્રાવણ : ૨૫૦૧ આત્મધર્મ : ૧૭ :
ભવ્યજનોને આનંદજનની વૈરાગ્ય–અનુપ્રેક્ષા
[શ્રી કાર્તિકસ્વામીરચિત બાર અનુપ્રેક્ષાનો ગુજરાતી અનુવાદ: લે ૨]
* ૨. અશરણ–અનુપ્રેક્ષા *
[આ અધિકારમાં ૨૩ થી ૩૧ સુધીની નવ ગાથાઓ દ્વારા, જીવને
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ રત્નત્રય સિવાય આ સંસારમાં બીજુ
કોઈ જ શરણ નથી, કોઈ તેને મરણથી બચાવવા સમર્થ નથી–એમ
અશરણપણું બતાવીને, રત્નત્રયનું શરણ લઈને તેની આરાધનાનો
ઉપદેશ આપ્યો છે.]
*******
(ર૩) જે સંસારમાં દેવોના સ્વામી ઈન્દ્રનો પણ વિનાશ થતો દેખાય છે, તથા જ્યાં
નારાયણ–બ્રહ્મા–ચક્રવર્તી વગેરે મોટી મોટી પદવીના ધારક પણ કાળનો કોળિયો
થઈ જાય છે, તે સંસારમાં જીવને શરણરૂપ કોણ છે? કોઈ જ શરણ નથી.
(ર૪) જેમ સિંહના પંજામાં ફસાયેલા હરણિયાને કોઈ બચાવનાર નથી, તેમ મૃત્યુના
પંજામાં પડેલા જીવને બચાવવા કોઈ સમર્થ નથી.
(રપ) જો મરણ પામતા મનુષ્યને કોઈ દેવ–મંત્ર–તંત્ર કે ક્ષેત્રપાલ વગેરે બચાવી શકતા
હોત તો મનુષ્યો અમર થઈ જાત, –કોઈ મરતે જ નહિ.
(ર૬) આ સંસારમાં અત્યંત બળવાન તથા ભયાનક, અને રક્ષાના અનેક પ્રકાર વડે
નિરંતર જેની રક્ષા કરવામાં આવતી હોય તેવા હોવા છતાં મરણ વગરના તો
કોઈ દેખાતા નથી.
(ર૭) એ પ્રમાણે અશરણપણું પ્રત્યક્ષ દેખાતું હોવા છતાં પણ મૂઢજીવો અત્યંતગાઢ
મિથ્યાત્વને લીધે સૂર્યાદિ ગ્રહોનું, ભૂત–પિશાચ–વ્યંતરનું, યોગિનીનું, ચંડિકાનું
તથા મણિભદ્ર વગેરે યક્ષનું શરણ માને છે.
(ર૮) આયુકર્મના ક્ષયથી મરણ થાય છે; અને તે આયુકર્મ કોઈ કોઈને દેવા સમર્થ
નથી; માટે દેવેન્દ્ર પણ મરણથી કોઈને બચાવી શકતા નથી.