: શ્રાવણ : ૨૫૦૧ આત્મધર્મ : ૨૭ :
૭. ઉપયોગ સ્વાધીન આત્મનો સ્વયમેવ જાણે જ્ઞેયને,
અવલંબતો નથી અન્યને તેથી ગ્રહણ નહિ લિંગને.
૮. ઉપયોગ તે નિજલિંગ છે, પોતે જ લિંગસ્વરૂપ છે,
તે લાવતો નથી બાહ્યથી તેથી ન લિંગનું ગ્રહણ છે.
૯. ઉપયોગ લક્ષણ આત્મનું, નહીં કોઈ તેને હરી શકે,
અહાર્ય–જ્ઞાની આતમા બસ! તે જ સત્યસ્વરૂપ છે.
૧૦. જેમ સૂર્યને નથી ગ્રહણ તેમ ન ગ્રહણ જાણો આત્મને,
ઉપયોગમાં ન મલિનતા, શુદ્ધોપયોગી જીવ છે.
૧૧. જે લિંગરૂપ ઉપયોગ છે તે કર્મને ગ્રહતો નથી;
એ રીત કર્મ–અબદ્ધ જીવને જાણજો આ સૂત્રથી.
૧૨. રે! ઈન્દ્રિયોથી વિષયભોગો જીવને હોતાં નથી,
તેથી ન ભોક્તા ભોગનો, –એ જાણજો નિશ્ચય થકી.
૧૩. મન–ઈંદ્રિરૂપ કો લિંગથી નહિ જીવન છે આ જીવનું,
તેથી ન શુક્રાર્વત ગ્રહે–એવો અગ્રાહી જીવ છે.
૧૪. કો શરીરના લિંગને અરે, આત્મા કદી ગ્રહતો નથી,
લૌકિક સાધનરૂપ નહિ એવો અતીન્દ્રિય જીવ છે.
૧૫. લિંગરૂપ કો સાધનોથી ન લોકવ્યાપી જીવ છે,
નથી સર્વવ્યાપી જીવ, એવું સત્ય સાબિત થાય છે.
૧૬. નથી ગ્રહણ કોઈ વેદનું–સ્ત્રી–પુરુષ આદિ ભાવનું
તેથી નથી કો લિંગ જેને, –અલિંગ–ગ્રાહી જીવ છે.
૧૭. લિંગ કે’તાં ધર્મચિહ્નો બાહ્ય જે સાધુતણાં,
નથી ગ્રહણ તેનું જીવમાં, તે ચેતનાથી બાહ્ય છે.
૧૮. ‘આ ગુણ’ એવા બોધથી નથી ગ્રહણ થાતું જીવનું;
ગુણભેદથી લક્ષિત નથી, બસ! શુદ્ધદ્રવ્ય જ જીવ છે.
૧૯. ‘પર્યાય’ કેરા બોધથી નથી ગ્રહણ થાતું જીવનું,
પર્ય–ભેદથી લક્ષિત નથી, બસ! શુદ્ધદ્રવ્ય જ જીવ છે.