અવશ્ય તને તેની પ્રાપ્તિ થશે. સાધર્મીઓના સમ્યક્ત્વની વાર્તા સાંભળીને
પણ પ્રસન્ન થાજે. સમ્યક્ત્વાદિ ધર્મની કે દેવ–ગુરુ–શાસ્ત્રની હાંસી કે
અનાદર કદી ન કરીશ. હસતાં–હસતાં કરેલો પણ ધર્મનો અનાદર કેવા
ભયંકર પાપફળને આપે છે! –તેનો વિચાર કરજે. સીતાજીએ પૂર્વભવમાં
માત્સર્યવશ એક નિર્દોષ મુનિરાજની હાંસી કરી તો તેમને આ ભવમાં
કેવી પરિસ્થિતિ આવી પડી! સતી અંજનાએ પૂર્વભવમાં અજ્ઞાનવશ
જિનબિંબનો અનાદર કર્યો તો તેને ૨૨ વર્ષ સુધી કેવું કષ્ટ સહન કરવું
પડ્યું! માટે હે ભવ્ય! તું વીતરાગી દેવ–ગુરુ–શાસ્ત્ર પ્રત્યે, સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્રરૂપધર્મ પ્રત્યે તથા ધર્માત્મા–સાધર્મીપ્રત્યે આદરભાવ
રાખજે, કદી સ્વપ્નેય કે મશ્કરીમાં પણ એમનો અનાદર કરીશ મા! બીજા
સાધારણ પાપો કરતાં દેવ–ગુરુ–ધર્મના અનાદરનું પાપ ઘણું વધારે
ભયંકર છે. માટે તેમને ઓળખીને પરમભક્તિથી તેમની ઉપાસના
કરજે...તારું કલ્યાણ થશે.