: શ્રાવણ : ૨૫૦૧ આત્મધર્મ : ૪૧ :
સોનગઢ: મંગલ ઉત્સવ ને મંગલ પ્રવચનોની પ્રસાદી
(સ્વાનુભૂતિનો મહિમા)
શ્રાવણ વદ બીજ: આનંદની બીજ....સ્વાનુભૂતિની બીજ! આજે સોનગઢમાં
તો જાણે તીર્થાધિનાથનું સમવસરણ આવ્યું હોય–એવા હર્ષભર્યા કોલાહલ વચ્ચે ધર્મરત્ન
પૂ. બેનશ્રીનો મંગલ જન્મોત્સવ ઉજવાયો. સવારથી જ ગુરુદેવ કોઈ ગંભીર
આત્મચિંતનના મહિમામાં દેખાતા હતા. સ્વાનુભૂતિના શાંતરસમાં ડુબેલા પૂ. બેનશ્રી,
આ હર્ષના કોલાહલથી પણ અલિપ્ત એવી ચેતના વડે અભિનંદિત હતા, તેમની ચેતના
જ આનંદથી તેમને વધાવતી હતી......જ્યારે હજારો ભક્તો હીરા–મોતી–પુષ્પોથી વધાવી
રહ્યા હતા. પ્રભુ વીરનાથની મંગલ છાયામાં વીરપુત્રીના બહુમાનનો પ્રસંગ ઘણો ભવ્ય
હતો. કુંદકુંદપ્રભુજી પણ જાણે સ્વર્ગમાંથી પુનઃપધાર્યા હોય–એમ સન્મુખ જ બિરાજી રહ્યા
હતા. અને પૂ. બેનશ્રી પધારતાં પરમાગમના સારભૂત સ્વાનુભૂતિએ જ જાણે
પરમાગમમંદિરમાં પ્રવેશ કર્યો, તે દેખીને પરમાગમો પણ પ્રસન્નતાથી ખીલી ઊઠયા
હતા...ગુરુદેવે પ્રશાંત વાતાવરણ વચ્ચે જિનવાણીનું દોહન કરીને શાંતરસની વર્ષા શરૂ
કરી...પૂ. બેનશ્રીના અંતરમાં વહેતું સ્વાનુભૂતિનું ઝરણું જ જાણે ઉલ્લસી–ઉલ્લસીને
ભવ્યજીવોને આનંદરસ પીવડાવતું હોય! –એવા ભાવો શ્રીગુરુના પ્રવચનમાં ઊછળતા
હતા. જ્ઞાનીનો અદ્ભુત મહિમા દેખતાં કેવળજ્ઞાન વગેરે કલ્યાણકોના ઉત્સવો કેવા
અદ્ભુત આશ્ચર્યકારી હશે! તેની ઝાંખી થતી હતી. –આવા ઉત્તમ મંગલ પ્રસંગો અને
મંગલભાવો આ કળિકાળમાં પણ આપણને પ્રાપ્ત થઈ રહ્યા છે–તે પૂ. ગુરુદેવનો પ્રતાપ
અને પૂ. માતાજીનો ઉપકાર છે...તેઓશ્રીને નમસ્કાર હો.
શ્રાવણવદ બીજના મંગલ પ્રારંભમાં જ ગુરુદેવે બેનશ્રીની સ્વાનુભૂતિનો મહિમા
પ્રસિદ્ધ કર્યો હતો. તેઓશ્રી સં. ૧૯૮૯ માં ક્ષાયિકભાવ જેવી જોરદાર સ્વાનુભૂતિ પામ્યા
છે, ને ૧૯૯૩ માં પૂર્વના ચાર ભવનું (જેમાં પૂર્વે સીમંધર પરમાત્મા પાસે હતા–તે
સહિત) જાતિસ્મરણજ્ઞાન થયું છે. તેમાં એમ આવ્યું છે કે પૂર્વે ગુરુદેવ રાજકુમાર હતા ને
ચંપાબેન–શાંતાબેન એ બંને બેનોના જીવ તેમના મિત્રો, (શેઠિયાના પુત્રો) હતા.
જાતિસ્મરણની નિર્મળતામાં તેમને ઘણું આવ્યું છે. ગુરુદેવના આત્મા ભવિષ્યમાં તીર્થંકર
થનાર છે–એમ પ્રભુના શ્રીમુખે તેમણે સાંભળ્યું છે. ‘આ રાજકુમાર તીર્થંકર થવાના છે,
ને આ બંને (બંને બેનો) ના જીવો તેમના ગણધરો થવાના છે. ’ આ ઉપરાંત બીજા
પાંચભવોનું પણ કેટલુંક સ્મરણ હમણાં આવેલું છે. તીર્થંકર ભગવાનની સીધી વાણી
અમે સાંભળી છે, ને કુંદકુંદાચાર્યદેવ ત્યાં પધાર્યા ત્યારે સમવસરણમાં અમે ત્યાં હાજર
હતા....આ બધું પ્રમાણસિદ્ધ છે.