: ૧૪ : આત્મધર્મ : ભાદરવો : ૨૫૦૧
શ્રી મુનિરાજે કહ્યું: હે રાજા! તમે ભવ્ય છો, તમારી ભાવના ઉત્તમ છે, આગામી
મનુષ્યભવમાં તમે ભરતક્ષેત્રના તીર્થંકર થવાના છો. રત્નત્રય પ્રત્યેની તમારી ભક્તિ
પ્રશંસનીય છે. તે રત્નત્રયની ઉપાસના માટેનું વ્રતવિધાન હું સંક્ષેપમાં કહું છું–તે
સાંભળો.
ભાદ્રમાસમાં સુદ ૧૩–૧૪–૧૫ એ ત્રણ દિવસો રત્નત્રયવિધાનના ઉત્તમ દિવસો
છે. રત્નત્રયવ્રતનો ઉપાસક જીવ શ્રદ્ધાભક્તિપૂર્વક આગલે દિવસે જિનમન્દિરમાં જઈ
પૂજન કરે, શ્રીગુરુ પાસે જઈને આત્મહિતકારી આગમ સાંભળે, મુનિરાજનો સુયોગ
બની જાય તો તેમને તથા અન્ય સાધર્મીઓને આદરથી આહારદાનાદિ કરે, ને
રત્નત્રયવ્રતનો સંકલ્પ કરીને અત્યંત આનંદ ઉલ્લાસપૂર્વક તેનો પ્રારંભ કરે. પછી ૧૩–
૧૪–૧૫ ત્રણે દિવસે ઉપવાસ (અથવા શક્તિમુજબ એકાશન વગેરે) કરે; આરંભકાર્યો
છોડી ગૃહવાસથી વિરક્તપણે રહે, સત્સંગમાં ને ધર્મધ્યાનમાં વિશેષપણે રહીને
રત્નત્રયના સ્વરૂપનું ચિંતન કરે, તેની પ્રાપ્તિ કેમ થાય તેનો ઉપાય વિચારીને અંદર
તેનો વિશેષ પ્રયત્ન કરે. પ્રતિદિન જિનમંદિરે જઈ સાધર્મીજનોના સમૂહ સાથે ઠાઠમાઠથી
જિનદેવની પૂજા ઉપરાંત રત્નત્રયધર્મની સ્થાપનાપૂર્વક મહાન ઉલ્લાસપૂર્વક તેનું પૂજન
કરે. (જાપ વગેરે વિશેષ વિધિનો યોગ બને તો તે વિધિ પણ કરવી.) (સુવિધા
અનુસાર માહ અને ચૈત્રમાસના ત્રણ દિવસોમાં પણ રત્નત્રય–ઉપાસનાની વિધિ
કરવી.) ઉપાસનાના દિવસોમાં હંમેશાંં પ્રાતઃકાળમાં વીતરાગતાના અભ્યાસરૂપ (એટલે
કે શુદ્ધોપયોગના પ્રયોગરૂપ) સામાયિક કરવી. દિવસે તેમજ રાત્રે પ્રમાદ છોડીને
આત્મસન્મુખભાવોનો અભ્યાસ કરવો, રત્નત્રયવંત મુનિઓનું જીવન ચિંતવીને તેની
ભાવના કરવી; તથા રત્નત્રયવંત જીવો પ્રત્યે બહુમાનથી રત્નત્રયની આનંદમય ભક્તિ
ચર્ચા વગેરે કરીને, આત્માને રત્નત્રય પ્રત્યે ઉત્સાહિત કરવો.
–આ રીતે શુદ્ધરત્નત્રય પ્રત્યે તીવ્ર ભક્તિ ને પ્રેમના ગદ્ગદ્ભાવે મહાન આનંદ
ઉલ્લાસપૂર્વક ત્રણ દિવસ પૂજનાદિ કરીને, ચોથા દિવસે તેની પૂર્ણતા નિમિત્તે મહાન
ઉત્સવપૂર્વક જિનેન્દ્રદેવનો અભિષેક કરવો. પૂજન, શાસ્ત્રશ્રવણ, ધર્માત્માઓનું સન્માન–
આહારદાનાદિ કરીને પછી પ્રસન્નચિત્તે પોતે પારણું કરવું; ને આ પ્રસંગે દાનાદિ દ્વારા
ધર્મપ્રભાવના કરવી. –આ પ્રમાણે ત્રણ વર્ષ સુધી (અગર ભાવના મુજબ પાંચ કે તેર
વર્ષ સુધી કરીને પછી દેવ–ગુરુ–ધર્મના મહાન ઉત્સવ–ભક્તિપૂર્વક તેનું ઉદ્યાપન કરીને,
તન–મન–ધનથી–શાસ્ત્રથી અનેક પ્રકારે ઉલ્લાસપૂર્વક રત્નત્રયધર્મનો ઉદ્યોત થાય, ને
સર્વત્ર તેનો મહિમા પ્રસરે –એ રીતે પ્રભાવના કરવી. જિનમંદિરમાં ત્રણ છત્ર, ત્રણ
કળશ, ત્રણ શાસ્ત્ર વગેરે અનેક પ્રકારની ત્રણ–ત્રણ વસ્તુઓનું દાન કરવું, સાધર્મીઓનું
સન્માન કરવું. (દેશ–કાળની પરિસ્થિતિ અનુસાર વર્તવું ને જ્ઞાન–શાસ્ત્રપ્રચારની
મુખ્યતા રાખવી.) હે રાજન! આ પ્રમાણે રત્નત્રયવંતનું વિધાન જાણો.