મુનિ–ભગવંતોનો પરમ મહિમા ક્ષણે ને પળે પ્રસિદ્ધ થતો હતો....ને પ્રવચન વખતે તો
કુંદકુંદસ્વામી, અમૃતચંદ્રસ્વામી, પદ્મપ્રભસ્વામી જેવા રત્નત્રયવંત મુનિભગવંતો જાણે
સામે જ બિરાજતા હોય–એવા ભાવથી ગુરુદેવ તેમના તરફ હાથ લંબાવીને બતાવતા,
અને કહેતા કે જુઓ, આ વીતરાગી સંતોની વાણી!! –વાહ! જાણે વીતરાગી સંતોની
વાણી સાંભળતા હોઈએ! એવા ભાવો ઉલ્લસતા હતા, ને એ રત્નત્રયધારી મુનિભગવંતો
પ્રત્યે પરમ ભક્તિથી હૃદય નમી જતું હતું.
સમસ્ત પરભાવોથી ભિન્ન શુદ્ધસ્વરૂપની ભાવનાનું ઘોલન ચાલતું હતું. શ્રી મુનિરાજ
પોતે કહે છે કે આ પંચરત્નો દ્વારા જેણે સમસ્ત વિષયોના ગ્રહણની ચિંતાને છોડી છે
અને નિજ દ્રવ્ય–ગુણ–પર્યાયના સ્વરૂપમાં ચિત્તને એકાગ્ર કર્યું છે, તે ભવ્યજીવ
નિજભાવથી ભિન્ન એવા સકળ વિભાવને છોડીને અલ્પકાળમાં મુક્તિને પ્રાપ્ત કરે છે.
ભેદજ્ઞાન વડે શુદ્ધજીવાસ્તિકાયના અભ્યાસ વડે એટલે કે વારંવાર અનુભવ વડે ચારિત્ર–
દશા પ્રગટ થાય છે. સમ્યગ્દ્રષ્ટિ શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાયસ્વરૂપ પોતાના શુદ્ધ
જીવાસ્તિકાયમાં અન્ય સકળ પરભાવોના કર્તૃત્વનો અભાવ જાણે છે; સહજ ચૈતન્યના
વિલાસ સ્વરૂપે જ તે પોતાને ભાવે છે. શ્રેણીક રાજા ક્ષાયિકસમ્યગ્દ્રષ્ટિ છે, તીર્થંકરપ્રકૃતિ
બાંધે છે, અત્યારે પહેલી નરકમાં હોવા છતાં તેઓ એમ જાણે છે કે આ નરકપર્યાયના
કર્તૃત્વ–ભોક્તૃત્વથી પાર સહજ ચૈતન્યના વિલાસરૂપ આત્મા હું છું –આવી પરિણતિનું
પરિણમન તેમને વર્તી જ રહ્યું છે. તિર્યંચ હોય, સિંહ હોય, ને આત્માનું જ્ઞાન પામે ત્યાં
તે પણ એમ જાણે છે કે સહજ ચૈતન્યસ્વરૂપશુદ્ધ જીવાસ્તિકાય જે મારું સ્વરૂપ છે–તેમાં
આ તિર્યંચપર્યાયના કર્તૃત્વનો ભાવ નથી. તિર્યંચ પર્યાયનું કર્તૃત્વ મારામાં નથી; સહજ
ચૈતન્યનો જે વિલાસ છે તેનો જ હું કર્તા છું. –આવી શુદ્ધચેતનાપરિણતિ તેને વર્તે છે,
–એનું નામ સાચું પ્રતિક્રમણ છે.
મનુષ્ય અને દેવપર્યાયમાં પણ જે સમ્યગ્દ્રષ્ટિ–ધર્માત્મા જીવો છે તેઓ પોતાના આત્માને,
તે–તે વિભાવગતિપર્યાયના કર્તૃત્વથી રહિત જ્ઞાનચેતનારૂપ એવા શુદ્ધજીવાસ્તિકાયપણે
જ જાણે છે. ચારગતિ તે વિભાવપર્યાય છે, તેના કારણરૂપ ભાવો તે પણ વિભાવભાવો
છે; એ બધા વિભાવભાવોથી પાર અતીન્દ્રિયજ્ઞાનચેતના છે, એવી જ્ઞાનચેતનારૂપે
પરિણમતા ધર્માત્મા પોતાના આત્માને સહજ ચૈતન્યના વિલાસરૂપ અનુભવે છે.
–આવો અનુભવ તે સાચા પર્યુષણ છે. એવો અનુભવ કરનાર જીવને પોતામાં સદાય
પર્યુષણ જ છે.