: ૪ : આત્મધર્મ : ભાદરવો : ૨૫૦૧
• •
પર્યુષણમાં ભાદરવા સુદ છઠ્ઠે ઉત્તમમાર્દવ એટલે વીતરાગી નિર્માનતાનો બીજો
દિવસ હતો. અહો, મુનિવરોના વીતરાગચારિત્રધર્મની શી વાત!! એવા ઉત્તમ
મુનિવરોને વિશેષ શાસ્ત્રજ્ઞાન હોય, મહાન તપસ્વી હોય, અનેક લબ્ધિ પ્રગટી હોય–પણ
તેઓ માન કરતા નથી, નિર્માનતા રાખે છે. જેને સર્વજ્ઞસ્વભાવની મહાનતાની ખબર
નથી તે જ અલ્પ જાણપણામાં અભિમાન કરે છે. અરે, સર્વજ્ઞો અને બારઅંગધારી
શ્રુતકેવળીભગવંતો પાસે તો મારું આ જ્ઞાન ઘણું અલ્પ છે; ચૈતન્યનો સ્વભાવ તો
સર્વજ્ઞપદ પ્રગટે તેવડો છે; તેમાં અલ્પજ્ઞાનનો ગર્વ કેવો? –એવા ભાવમાં ધર્મીજીવ
નિર્મદ રહે છે. પ્રતિકૂળતા કે અનુકૂળતામાં તે પોતાના ઉપશાંતભાવમાં રહે છે, માન–
અપમાનમાં સમભાવે રહે છે. માન કરતા નથી તેમ અપમાનના પ્રસંગમાં ખેદખિન્ન પણ
થઈ જતા નથી.
અહા, આત્માનો સર્વજ્ઞસ્વભાવ જેની પ્રતીતમાં આવ્યો છે તે જીવ અલ્પજ્ઞતાનું
ગૌરવ કેમ કરે? આ રીતે આત્માના પૂર્ણ સ્વભાવની મહત્તા જાણીને તેની આરાધના
વડે વીતરાગતા અને નિર્માનતા થાય છે, તેનું નામ ઉત્તમ માર્દવધર્મ છે. તેની ઉપાસના
ને પર્યુષણા છે. આવા વીતરાગધર્મની ઉપાસના મુખ્યપણે મુનિઓને હોય છે, ને ધર્મી
ગૃહસ્થોને પણ પોતાની ભૂમિકાઅનુસાર આવા ધર્મની ઉપાસના હોય છે. માટે
આચાર્યદેવ કહે છે કે હે ભવ્યજીવો! તમે આવા દશધર્મોને પરમ ભક્તિપૂર્વક જાણીને
તેની ઉપાસના કરો.
• •
પાંચરત્નોદ્વારા જૈનશાસનના સારભૂત આત્માનું પરમાર્થસ્વરૂપ બતાવીને કહે છે
કે –નિર્મળ દ્રવ્ય–ગુણ–પર્યાયરૂપ જે સ્વતત્ત્વ, તેમાં ભેદની ચિંતા છોડીને, અભેદદ્રષ્ટિથી જે
એકાગ્ર થયો, તે ભવ્યજીવ નિજસ્વરૂપમાં એકાગ્રતાવડે અલ્પકાળમાં મોક્ષને પામે છે.
જુઓ, શુદ્ધદ્રવ્ય–ગુણ–પર્યાયસ્વરૂપ નિજતત્ત્વ કહ્યું; તે મોક્ષનું કારણ છે. શુદ્ધતાનું કારણ
થવાનો સ્વભાવ તો દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં છે; પણ રાગાદિ અશુદ્ધતાનું કારણ થવાનો
સ્વભાવ દ્રવ્ય–ગુણમાં નથી, તેનું કારણ માત્ર તે ક્ષણિકપર્યાયમાં જ છે, એટલે તે
ભૂતાર્થસ્વભાવ નથી; ત્યારે શુદ્ધપર્યાયની પાછળ તો શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણે
કારણપણે ઉભા છે; તેના આશ્રયે શુદ્ધપર્યાય થઈ; આવા શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાયથી
એકાકારસ્વરૂપ નિજતત્ત્વમાં એકાગ્રતા વડે મોક્ષપદ પમાય છે. (નિયમસાર–કળશ ૧૦૯)
૧૪ ગુણસ્થાનભેદો કે ૧૪ માર્ગણાસ્થાનભેદો તે કોઈ ભેદોને સમ્યગ્દર્શન સ્વીકારતું નથી,
તેથી તે બધા ભેદોને પરભાવો કહ્યા. અભેદરૂપ આત્મા તે પરમતત્ત્વ છે, તેને જ
સમ્યગ્દર્શન સ્વીકારે છે; ને તેના સ્વીકારવામાં જે શુદ્ધપર્યાય વર્તે છે–તે મોક્ષનું કારણ છે.