Atmadharma magazine - Ank 384
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 106

background image
: આસો : ૨૫૦૧ આત્મધર્મ : ૨૧ :
કાંઈ તારું સુખ ન હતું, તું તેમાં સુખ માનીને છેતરાયો. જ્ઞાની તો જાણે છે કે
સંયોગનો શો વિશ્વાસ! તેમાં ક્યાંય સુખ દેખાતું જ નથી. જ્ઞાનીની નજર એક
આત્મા ઉપર જ ઠરે છે, બીજે ક્યાંય જગતમાં તેની નજર ઠરતી નથી. રાગ
ઉપર પણ તેની દ્રષ્ટિ ઠરતી નથી. એક આતમરામમાં જ તેની નજર ઠરે છે.
અહો! મારો આત્મા એક જ મારા સુખનું ધામ છે, તેના સિવાય જગતનું કોઈ
તત્ત્વ મારા સુખનું ધામ નથી, તો તે પર દ્રવ્યોનો શો વિશ્વાસ? ને તેમાં કેવી
રતિ? મારો આત્મા જ મારું આનંદનું ધામ છે.–એમ જ્ઞાનીની શ્રદ્ધાનો ને
રમણતાનો વિષય પોતાનો આત્મા જ છે. તેઓ પોતાના સ્વભાવને જ સુખનો
સાગર જાણીને તેનો વિશ્વાસ અને તેમાં એકાગ્રતા કરે છે, ને એ રીતે પોતાના
અતીન્દ્રિયસુખને ભોગવે છે; તે છેતરાતા નથી.
માટે હે ભવ્ય! તારા આત્માને જ સુખનું સ્થાન જાણીને તેનો જ
વિશ્વાસ કર ને તેમાં જ રમણતા કર; બાહ્ય પદાર્થોમાં સુખની માન્યતા છોડ,
–એમ શ્રી પૂજ્યપાદ સ્વામીનો ઉપદેશ છે.
સમકિતીને પોતાનો આત્મા જ ઈષ્ટ છે, આત્મા જ વહાલો છે, આત્મા
સિવાય બીજું કાંઈ જગતમાં ઈષ્ટ કે સુખરૂપ લાગતું નથી. ચૈતન્યના વિશ્વાસે
જ્ઞાનીનાં વહાણ ભવસાગરથી તરી જાય છે ને મોક્ષમાં પહોંચી જાય છે.
ધર્માત્મા જ્ઞાની આત્મજ્ઞાન સિવાય બીજા કોઈ કાર્યને પોતાની બુદ્ધિમાં
ચિરકાળ સુધી ધારણ કરતાં નથી; આત્મસ્વભાવની ભાવના છોડીને કોઈપણ
કાર્યમાં તેઓ જોડાતા નથી, આત્માની ભાવના એક ક્ષણ પણ છૂટતી નથી.
જ્ઞાનચેતના જેનું લક્ષણ છે તે જ ધર્મીનું કાર્ય છે, તેમાં જ તે તત્પર છે.
અસ્થિરતાને લીધે પ્રયોજનવશ શરીર–વાણીની કંઈક ચેષ્ટામાં જોડાય છે પણ
તેમાં તે અતત્પર છે; તેને તેની ભાવના નથી, તેમાં તેઓ જ્ઞાન–આનંદ માનતા
નથી, માટે તેનાથી તે અનાસક્ત જ છે.
ચોથા ગુણસ્થાનવાળો સમકિતી અંતરાત્મા પણ રાગાદિમાં ને
વિષયોમાં અતત્પર છે, કેમકે તેમાં સુખ માન્યું નથી; ચેતના તેમાં તન્મય થઈ
નથી. રાજપાટમાં હોય, સ્ત્રીઓ હોય, ખાતા–પીતા હોય, ઉપદેશ દેતા હોય, છતાં
અંતરના ચૈતન્યસુખની પ્રીતિ આડે તેની ચેતના કોઈપણ બાહ્યવિષયોમાં કે
રાગમાં તત્પર થતી નથી, જુદી ને જુદી જ રહે છે.