: ૩૦ : આત્મધર્મ : આસો : ૨૫૦૧
તેની દ્રઢતાની પરીક્ષા કરવા કહ્યું કે તમે કાગડાનું માંસ ખાવ તો જ તમારો આ
રોગ મટે તેમ છે, બીજી કોઈ દવા લાગુ પડે તેમ નથી.
ત્યારે ભીલે દ્રઢતાથી કહ્યું કે પ્રાણ જાય તો ભલે જાય, પણ મુનિરાજ
પાસેથી લીધેલી પ્રતિજ્ઞાને તો હું નહીં જ છોડું.
પેલા માણસે કહ્યું–ભાઈ, હઠ છોડી દો. નકામું મરણ થશે. એકવાર
ઔષધરૂપે કાગડાનું માંસ ખાઈ લો; પછી જીવતા રહેશો તો ફરીને વ્રત લઈ
લેજો.
ત્યારે ભીલે કહ્યું: મેં મારા જીવનમાં બીજું તો કોઈ સત્યકાર્ય નથી કર્યું;
માંડમાંડ એક નાનું વ્રત લીધું છે, હું એવો મૂર્ખ નથી કે તેને પણ છોડી દઉં.
ધર્મનો કિંચિત્ સ્નેહ છે, તે હવે મરણ અવસ્થામાં હું કેમ છોડું!–એમ તે
પોતાની પ્રતિજ્ઞામાં દ્રઢ રહ્યો.
તેની દ્રઢતા દેખીને તેનો મિત્ર રાજી થયો, ને રસ્તામાં યક્ષદેવી સાથે
થયેલી બધી વાત તેણે કરી. ત્યારે માત્ર કાગડાનું માંસ છોડવાનું પણ આવું
મહાન ફળ જાણીને તે ભીલરાજને જૈન મુનિરાજ ઉપર વધુ શ્રદ્ધા બેઠી અને
અહિંસાધર્મનો ઉત્સાહ વધ્યો, તેથી તેણે માંસાદિનો સર્વથા ત્યાગ કરીને
અહિંસાદિ પાંચ અણુવ્રત ધારણ કર્યા; અને પંચપરમેષ્ઠીની ભક્તિપૂર્વક
શાંતિથી પ્રાણ છોડીને તે સૌધર્મસ્વર્ગમાં દેવ થયો. ગૌતમસ્વામી કહે છે કે હે
શ્રેણીક! પછી તે દેવ મરીને તું આ રાજગૃહીમાં શ્રેણીક રાજા થયો છે.
ભીલનાં વ્રતોનું આવું ઉત્તમ ફળ દેખીને તેના કુશળ મિત્રે પણ અણુવ્રત
ધારણ કર્યા; ત્યાંથી બ્રાહ્મણનો અવતાર કરી અર્હત્દાસ શેઠ પાસે જૈનસંસ્કાર
પામી તે પણ સ્વગે ગયો; ને ત્યાંથી અવતરીને તે તારો પુત્ર ‘અભયકુમાર’
થયો છે, તે આ જ ભવમાં જૈનમુનિ થઈને મોક્ષને પામશે.
શ્રેણીકે પૂછ્યું–હે રાજન્! તે યક્ષદેવી ત્યાર પછી કેટલાક ભવ કરીને
અનુક્રમે વૈશાલીના ચેટક રાજાની પુત્રી થઈ,–જે તારી પટરાણી ‘ચેલણા’ છે
(આ ચેલણા તેમજ ચંદના વગેરે મહાવીરપ્રભુની માસી થાય.)
આ પ્રમાણે જૈનધર્મ જે અહિંસાનો ઉપદેશ આપે છે, તેનું થોડુંક પણ
પાલન કરતાં આવું ફળ મળે છે તો સંપૂર્ણ વીતરાગભાવરૂપ અહિંસાનું ફળ
કેવું મહાન હોય! તે ઓળખજો....અને હે બંધુઓ, શૂરવીરપણે વીરના
અહિંસાધર્મનું પાલન કરજો.