Atmadharma magazine - Ank 384
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 34 of 106

background image
: આસો : ૨૫૦૧ આત્મધર્મ : ૩૧ :
* વિચિત્ર સંસાર વચ્ચે અલિપ્ત જ્ઞાનચેતના *
શ્રી ગૌતમગણધરના મુખથી પોતાના ભૂતકાળના ભવોનું વર્ણન
સાંભળ્‌યા પછી, શ્રેણીકરાજા વૈરાગ્યપૂર્વક પોતાના ભવિષ્યના ભવો પણ પૂછે છે:
ત્યારે ગૌતમસ્વામી કહે છે કે હે શ્રેણીક! પહેલાંં અજ્ઞાનદશામાં મિથ્યાત્વાદિ
પાપો સેવવાથી ને જૈનમુનિ ઉપર ઉપદ્રવ કરવાથી પાપ બાંધીને તું પહેલી નરકે
જઈશ. પણ પછી ક્ષાયિક સમ્યક્ત્વપૂર્વક ૧૬ ધર્મ ભાવના ભાવી હોવાથી, બીજા
ભવમાં તમે આ ભરતક્ષેત્રમાં પદ્મનાથ નામના ત્રિલોકપૂજ્ય તીર્થંકર થઈને
મોક્ષ પામશો.
આહા, એક જ જીવ, એક જ ભવમાં એકવાર સાતમી નરકના કર્મ બાંધે
છે, ને વળી તે જ જીવ તે જ ભવમાં તીર્થંકરપ્રકૃતિનુ કર્મ બાંધે છે. જુઓ તો
ખરા, જીવની પરિણતિની વિચિત્રતા! ક્ષાયિકદ્રષ્ટિ શ્રેણીકે પોતાને માટે એકસાથે
બે વાત સાંભળી–
* એક તો આગામી ભવે નરકમાં જવાનું થશે
* બીજું ત્યાર પછીના ભવે પહેલાં તીર્થંકર થશે.
નરકમાં જવાનું અને તીર્થંકર થવાનું બંને વાત એકસાથે સાંભળીને
એને કેવી લાગણીઓ થઈ હશે? શું હર્ષ થયો હશે? શું ખેદ થયો હશે!! ક્યાં
હજારો વર્ષ નરકના ઘોરાતીઘોર દુઃખોની વેદના! ને ક્યાં ત્રિલોકપૂજ્ય તીર્થંકર
પદવી! બંને એકસાથે સાંભળીને–એકકોર નરકગતિનો ખેદ, બીજીકોર...
તીર્થંકરપદનો હર્ષ,–પણ શ્રેણીકમાં એવા હર્ષ–ખેદને જ હે ભવ્ય જીવો! તમે ન
દેખશો,–એ બંને સિવાય એક ત્રીજી અત્યંત સુંદર વસ્તુ તે જ વખતે શ્રેણીકમાં
વર્તે છે–તેને તમે દેખજો;–તો જ તમે ધર્માત્મા શ્રેણીકને ઓળખશો, નહિતર હર્ષ–
શોક જેટલો જ દેખીને તમે શ્રેણીકને અન્યાય કરશો.
કઈ છે એ ત્રીજા વસ્તુ! એ છે જ્ઞાનચેતના! એ છે ક્ષાયિકસમ્યક્ત્વ! એ
ક્ષાયિકદ્રષ્ટિ સહિતની જ્ઞાનચેતના તે વખતે જ હર્ષ–શોક બંનેથી સર્વથા અલિપ્ત,
પરમ શાંત વર્તી રહી છે; એ જ્ઞાનચેતના, નથી તો નરકના કર્મોને વેદતી, કે નથી
તીર્થંકર પ્રકૃતિના કર્મને વેદતી; બંને કર્મોથી જુદી, નૈષ્કર્મભાવે કર્મથી છૂટી ને
છૂટી વર્તતી થકી શાંતિથી મોક્ષપંથને સાધી રહી છે. એ છે શ્રેણીકનું સાચું
સ્વરૂપ! એને ઓળખશો તો, શ્રેણીકની નરકદશા કે તીર્થંકરદશા.–બંને સાંભળવા
છતાં તમે પણ રાગ–દ્વેષ વગરની શાંત–જ્ઞાનચેતનારૂપે રહી શકશો! ને
મોક્ષપંથમાં ચાલી શકશો. *