: ૪૦ : આત્મધર્મ : આસો : ૨૫૦૧
મહેલમાં ઉભેલી એક અતિ સુંદર રાજકન્યાને દેખી; તેનું અદ્ભુત રૂપ દેખીને
બંને તેના પર મુગ્ધ બન્યા. તે રાજકન્યા પણ એકીટશે તેમને જોઈ રહી. બંનેનું
અદ્ભુત્ત રૂપ નીહાળી–નીહાળીને તે પણ પ્રસન્ન થતી હતી.
હવે એકસાથે આ દેશભૂષણ–કુલભૂષણ–બંને ભાઈઓને એમ થયું કે
આ રાજકન્યા મારા માટે જ છે.....તે મારા ઉપર પ્રસન્ન થઈ છે ને હું તેને
પરણીશ. પરંતુ બીજો ભાઈ પણ એ રાજકન્યા ઉપર જ નજર માંડીને તેને
રાગથી નીહાળી રહ્યો છે–તે દેખીને તેના ઉપર દ્વેષ આવ્યો કે જો મારો ભાઈ આ
કન્યા ઉપર દ્રષ્ટિ કરશે તો હું તેને મારીને પણ આ રાજકન્યાને પરણીશ–આમ
મનમાં ને મનમાં તેઓ એકબીજાને મારી નાંખીને પણ કન્યાને પરણવાનું
વિચારતા હતા; બંનેનું ચિત્ત એક જ રાજકુમારીમાં એકદમ આસક્ત હતું. તેથી
એકબીજા ઉપર દ્વેષ કરતા હતા. કન્યાના મોહવશ બંને ભાઈઓનું ચિત્ત
એકબીજા પ્રત્યે નિર્દય થઈ ગયું હતું!
અરે વિષયાસક્તિ! ભાઈ–ભાઈના સ્નેહને પણ તોડાવી નાંખે છે!
અરેરે! ચાર ચાર ભવથી પરમ સ્નેહ રાખનારા બંને ભાઈઓ વિષયવશ
એકબીજાને મારવા પણ તૈયાર થયા!
–એવામાં તો, અમુક શબ્દો કાને પડતાં બંને ભાઈઓ ચોંકી ઊઠ્યા....
જાણે વીજળી પડી હોય એમ બંને સ્તબ્ધ થઈ ગયા.....શું બન્યું!
તેમની સાથેના મંત્રીએ તેમને કહ્યું–દેખો રાજકુમારો! સામે રાજમહેલના
ઝરૂખામાં તમારી બેન ઊભી છે તે ઘણા વર્ષે તમને પહેલી જ વાર દેખીને
અત્યંત પ્રસન્ન થઈ રહી છે; ને પોતાના ભાઈ સામે એકી નજરે નીહાળી રહી છે.
તમે વિદ્યાભ્યાસ કરવા ગયેલા ત્યારે પાછળથી તેનો જન્મ થયેલો, તે તમારી
બહેન તમને પહેલી જ વાર દેખીને કેવી ખુશી થાય છે!
અરે! આ ઝરૂખામાં ઊભી ઊભી અમારા સામે હસે છે તે રાજકન્યા
બીજી કોઈ નહિ પણ અમારી જ સગી બહેન છે!–એમ જાણતાં જ બંને
ભાઈઓના ચિત્તમાં જબરજસ્ત આંચકો લાગ્યો; લજ્જાથી તેઓ ઠરી જ ગયા!
અરેરે! આ તો અમારી બહેન! અમે તેને કદી જોયેલી નહિ તેથી ઓળખી નહિ;
અજ્ઞાનને લીધે અમારી બહેન ઉપર જ અમે વિકારથી મોહિત થયા! ને
એકબીજાને મારવાના વિચાર કરવા લાગ્યા! હાય રે! અમને આવા દુષ્ટભાવ
કેમ થયા! અરેરે! આવા સંસારમાં શું રહેવું! હવે આવા સંસારથી બસ થાઓ!
અનેક દુઃખોથી ભરેલો