: આસો : ૨૫૦૧ આત્મધર્મ : ૪૧ :
આ સંસાર, જેમાં દુષ્ટ મોહ જીવને અનેક નાચ નચાવે છે; મોહવશ અમારી
બેન ઉપર જ અમને વિકાર થયો! એમ સંસારનું સ્વરૂપ વિચારી, બંને
ભાઈઓ તેનાથી અત્યંત વિરક્ત થયા, ને ત્યાંથી જ પાછા ફરીને જિનદીક્ષા
લઈ મુનિ થયા. મહાન તપના પ્રભાવે તેમને આકાશગામિની ઋદ્ધિ પ્રગટી, ને
તેઓ વિચારતા થકા પૃથ્વીને તીર્થરૂપ બનાવવા લાગ્યા...તેમના પિતા બંને
પુત્રોના વિરહમાં આહાર ત્યાગ કરી, પ્રાણ છોડીને ભવનવાસીદેવમાં ગરુડેન્દ્ર
થયા. (પૂર્વભવનો વેરી દુષ્ટ ભીલ જ્યોતિષીમાં અગ્નિપ્રભદેવ થયો છે.)
હવે જ્યારે રામ–લક્ષ્મણ–સીતા વંશધર પર્વત નજીક આવ્યા ત્યારે દેશ–
ભૂષણ–કુલભૂષણ મુનિવરો તે વંશધર પર્વત ઉપર બિરાજતા હતા ને ધ્યાન
ધરતા હતા. પૂર્વભવનું વેર યાદ આવવાથી દુષ્ટ અગ્નિપ્રભદેવ ત્રણ દિવસથી
તેમના ઉપર દૈવી માયાજાળ વડે ઘોર ઉપદ્રવ કરતો હતો. શ્રી કેવળીના મુખમાં
એમ આવ્યું હતું કે મુનિસુવ્રત પ્રભુ પછી તેમના શાસનમાં દેશભૂષણ–કુલ–
ભૂષણ તેમના જેવા કેવળજ્ઞાની થશે.–તે સાંભળીને પૂર્વની દ્વેષબુદ્ધિથી પ્રેરાયેલા
દુષ્ટ અગ્નિપ્રભદેવે વિચાર્યું કે હું તે કેવળીનાં વચન મિથ્યા કરું! આવી
મિથ્યાબુદ્ધિ વડે તેણે દેશભૂષણ–કુલભૂષણ મુનિઓ ઉપર ઉપસર્ગ કરવા માંડ્યો:
વિક્રિયા વડે હજારો સર્પ અને વીંછી તેમને વીંટળાઈ ગયા; એવી ગર્જના કરી કે
પર્વત ધ્રુજી ઊઠ્યો.....ક્રૂર પશુઓનું રૂપ ધરીને મુનિને ખાઈ જવાની ચેષ્ટા
કરી....રોજ રાત પડે ને ધ્યાનસ્થ મુનિઓ ઉપર ઉપસર્ગ કરે.....ઉપસર્ગનો
ભયાનક અવાજ દશદશ ગાઉ સુધી સંભળાય, તે સાંભળીને નગરજનો ભયથી
ધ્રુજી ઊઠે....રાજા પણ કાંઈ ઉપાય કરી ન શક્યો; એટલે ભયના માર્યા રાજા–
પ્રજા સૌ રાત પડે ત્યાં નગરી છોડીને દૂર ચાલ્યા જતા.
એ રીતે અત્યંત ભયભીત નગરજનોને જતા દેખીને રામે તેનું કારણ
પૂછ્યું; નગરજનોએ કહ્યું: અહીં રોજ રાત્રે કોઈ દુષ્ટ દેવ ભયંકર ઉપદ્રવ કરે છે,
તેના અત્યંત કર્કશ અવાજથી અમે સૌ ભયભીત છીએ. ખબર નથી પડતી કે
પર્વત ઉપર રોજ રાત્રે આ શું થાય છે! ત્યાં ઘણો ભય છે ને તમે અજાણ્યા છો,
માટે તમે ત્યાં ન જશો; તમે પણ અમારી સાથે સુરક્ષાના સ્થાને આવો.
એ સાંભળીને સીતા પણ ભયભીત થઈને કહેવા લાગી–હે દેવ! આપણે
ત્યાં નથી જવું. ચાલો, આપણે પણ આ લોકોની સાથે નિર્ભય સ્થાનમાં જઈને
રાત વીતાવીએ.