Atmadharma magazine - Ank 384
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 46 of 106

background image
: આસો : ૨૫૦૧ આત્મધર્મ : ૪૩ :
ત્રણ ઉત્તમ રત્નો વડે આપ શોભી રહ્યા છો; આપનાં ચરણોથી આ પૃથ્વી શોભી
રહી છે. આત્માની સાધનામાં આપ મેરૂ જેવા નિશ્ચલ છો. તુચ્છ અસુરદેવ ત્રણ
ત્રણ રાતથી ઘોર ઉપદ્રવ કરવા છતાં આપ ધ્યાનથી ડગતા નથી, કે ક્રોધનો
વિકલ્પ પણ કરતા નથી. ધન્ય આપની વીતરાગતા! આપની પાસે એક નહિ
પણ અનેક લબ્ધિઓ છે, આપ ધારો તો અસુરદેવને ક્ષણમાં ભગાડી મૂકો...પણ
બહારમાં આપનું લક્ષ જ નથી; આપ તો ચૈતન્યના ધ્યાન વડે કેવળજ્ઞાન
સાધવામાં જ તત્પર છો! –આમ ખૂબ જ સ્તુતિ કરી.
ત્યાં મધરાતે ફરીને દુષ્ટદેવ ઉપદ્રવ કરવા આવ્યો; ભયાનક રૂપ ધારણ
કરીને રાક્ષસ અને ભૂતનાં ટોળાં નાચવા લાગ્યા. વિચિત્ર અવાજ કરી કરીને
શરીરમાંથી અગ્નિના ભડકા કાઢવા લાગ્યા...હાથમાં તલવાર–ભાલા લઈને
બીવડાવવા લાગ્યા; તેમના તોફાનથી પર્વતની શિલાઓ કંપવા લાગી. જાણે
મોટો ધરતીકંપ થયો. બહારમાં આ બધું બની રહ્યું છે ત્યારે મુનિઓ તો અંદર
શુક્લધ્યાનમાં મગ્ન થઈને, આત્માના અપાર આનંદને અનુભવી રહ્યા છે,
બહારમાં શું થઈ રહ્યું છે તેની તેમને ખબર નથી. સીતા આ દ્રશ્ય દેખીને
ભયભીત થઈ, ત્યારે રામે તેને કહ્યું–દેવી! તું ભય ન કર. તું આ મુનિઓના
ચરણમાં બેસી રહે, ત્યાં અમે આ દુષ્ટ અસુરને ભગાડીને આવીએ છીએ.–એમ
કહી સીતાને મુનિના ચરણ સમીપ રાખીને રામ–લક્ષ્મણે દુષ્ટ અસુરદેવને પડકાર
કર્યો. રામે ધનુષનો એવો ટંકાર કર્યો કે જાણે વજ્રપાત થયો. અગ્નિપ્રભદેવ
સમજી ગયો કે આ તો કોઈ સાધારણ માણસો નથી પણ મહાપ્રતાપી બળદેવ ને
વાસુદેવ છે; તેમનો દિવ્ય પુણ્ય પ્રભાવ દેખીને તે અગ્નિપ્રભદેવ ભાગી ગયો ને
તેની બધી માયા સંકેલાઈ ગઈ. ઉપસર્ગ દૂર થયો.
ઉપસર્ગ દૂર થતાં જ, ધ્યાનમાં લીન દેશભૂષણ–કુલભૂષણ મુનિઓને
કેવળજ્ઞાન થયું....કેવળજ્ઞાનનો ઉત્સવ ઉજવવા કેટલાય દેવો આવ્યા. ચારેકોર
મંગલનાદ થવા લાગ્યા. રાત્રિ પણ પ્રકાશથી ઝગઝગી ઊઠી. કેવળજ્ઞાનના પ્રતાપે
ત્યાં રાત્રિ દિવસનો ભેદ ન રહ્યો. અહા, પોતાની હાજરીમાં જ એ મુનિ–
ભગવંતોને કેવળજ્ઞાન થતું દેખીને રામ–લક્ષ્મણ–સીતાના આનંદનો પાર ન રહ્યો.
હર્ષિત થઈને તેમણે સર્વજ્ઞ ભગવાનની પરમ સ્તુતિ કરી; દિવ્યધ્વનિ દ્વારા
ભગવાનનો ઉપદેશ સાંભળ્‌યો. અહા, પ્રભુના શ્રીમુખથી ચૈતન્યતત્ત્વનો કોઈ
પરમ અદ્ભુત ગંભીર મહિમા સાંભળતાં તેમને મહાઆનંદ થયો. દેશભૂષણ–