: આસો : ૨૫૦૧ આત્મધર્મ : ૪૫ :
ધૈર્ય તો જેનો પિતા છે, ક્ષમા જેની જનેતા છે, અત્યંત શાંતિ તે ગૃહિણી છે, સત્ય
જેનો સુત છે, દયા જેની બહેન છે, અને સંયમ જેનો ભાઈ છે; વળી પૃથ્વી જેની
શૈયા છે, આકાશ જેનાં વસ્ત્ર છે, જ્ઞાનામૃત જેનું ભોજન છે,–જેને આવા ઉત્તમ
કુટુંબીઓ છે તે યોગિને શેનો ભય હોય?
–આમ કહી, વિલાપ કરતી માતાને મુકીને દેશભૂષણ–કુલભૂષણ
બંને કુમારો વનમાં ચાલ્યા ગયા, ને દીક્ષા લઈ મુનિ થયા. મુનિ થઈને
ચૈતન્યના અનંત ગુણપરિવાર સાથે ખૂબ આનંદથી કેલિ કરવા લાગ્યા.
શુદ્ધોપયોગવડે સ્વકુટુંબીજનો સાથે કેલિ કરતાં કરતાં અંતે કેવળજ્ઞાન
પ્રગટ કરીને, અનંતસુખગુણપરિવાર સહિત મોક્ષમાં બિરાજ્યા....તેમને
નમસ્કાર હો.
* મંગલ ઉત્સવ *
અહો, વર્દ્ધમાન જિનેન્દ્રદેવ!
આત્માને આનંદ દેનારું આપનું શાસન પામીને, અમને
આત્માની આરાધનાનો સુંદર અવસર મળ્યો છે.
તેમાંય આપશ્રીના નિર્વાણનો અઢીહજારવર્ષીય મહોત્સવ
ચાલી રહ્યો છે ત્યારે આપે બતાવેલા માર્ગે અમે પણ આવીએ છીએ,
ને આપના ઉપકારને યાદ કરીએ છીએ.
હે સાધર્મીજનો! ભગવાનના શાસનને પામીને આપણું
જીવન આત્માની આરાધનામય બનાવવું; સંસારના ભયાનક
દુઃખોથી છૂટવા, ને સાચી આત્મશાંતિ પામવા, આત્માની અદ્ભુત
વીતરાગી સુંદરતાને અનુભવગમ્ય કરવી–એ જ મંગલ ઉત્સવ છે.
જે જાણતો મહાવીરને ચેતનમયી શુદ્ધભાવથી;
તે જાણતો નિજાત્મને સમકિત લ્યે આનંદથી.