: ૪૮ : આત્મધર્મ : આસો : ૨૫૦૧
* “મુનિવરોએ કેમ વર્તવું? ” *
‘જ્ઞાનદર્શનસ્વભાવી શુદ્ધાત્મદ્રવ્યમાં પ્રતિબદ્ધ એવા
શુદ્ધ અસ્તિત્વમાત્રરૂપે વર્તવું. ’
* એક સ્વદ્રવ્ય–પ્રતિબંધ (એટલે કે સ્વદ્રવ્યમાં લીનતા) તે જ
ઉપયોગની શુદ્ધતાનું કારણ છે. અને એવા શુદ્ધોપયોગવડે જ
શ્રમણપણું હોય છે.
* આત્માથી ભિન્ન જે પરદ્રવ્ય છે. તે બધાય પરદ્રવ્ય–પ્રતિબંધ
ઉપયોગને અશુદ્ધતાનું કારણ છે. પરદ્રવ્યમાં લીનતા વડે આત્માનો
ઉપયોગ અશુદ્ધ થાય છે ને અશુદ્ધઉપયોગમાં શ્રમણપણું હોતું નથી.
(છઠ્ઠાગુણસ્થાનની શુદ્ધપરિણતિને ‘શુદ્ધઉપયોગ’ પણ કહેવાય છે–એ
લક્ષમાં રાખવું.)
* એક સ્વદ્રવ્યમાં પ્રતિબંધ તે જ ઉપયોગની શુદ્ધતાનું કારણ છે,–અને
અન્ય સમસ્ત પરદ્રવ્યો ઉપયોગના ઉપરંજક છે–એમ જાણીને,
જ્ઞાનદર્શનસ્વભાવી શુદ્ધાત્મદ્રવ્યમાં પ્રતિબદ્ધ એવા એક
અસ્તિત્વમાત્રરૂપે વર્તવું–એમ તાત્પર્ય છે.
* જ્ઞાનદર્શનસ્વભાવી શુદ્ધાત્મદ્રવ્ય તે ત્રિકાળ છે; તેમાં વર્તવું તે
મોક્ષમાર્ગરૂપ પર્યાય છે. આવા દ્રવ્ય–પર્યાયસ્વરૂપ આત્મા છે. અહો!
‘જ્ઞાનદર્શનસ્વભાવી શુદ્ધાત્મદ્રવ્યમાં પ્રતિબદ્ધ એવા શુદ્ધ
અસ્તિત્વમાત્રરૂપે વર્તવું’ એમ કહીને દ્રવ્ય અને તેના આશ્રયરૂપ
શુદ્ધપર્યાય–બંને બતાવી દીધા છે.
* પોતાના સ્વભાવમાં લીનપણે શુદ્ધઅસ્તિત્વમાત્રરૂપે વર્તવું–તે જ
મોક્ષમાર્ગી શ્રમણોનું ખરૂં વર્તન છે. બહારનું વર્તન (આહારાદિની
ક્રિયાઓ) તે કાંઈ આત્માના અસ્તિત્વમાં નથી, ને મુનિવરો તેમાં
લીનપણે વર્તતા નથી. તેઓ તો પોતાના સ્વભાવમાં જ લીનપણે વર્તે છે.
* આ રીતે મુનિવરોએ, તેમજ બીજા ધર્મીજીવોએ પણ
જ્ઞાનદર્શનસ્વભાવી પોતાના શુદ્ધાત્મદ્રવ્યમાં પ્રતિબદ્ધ રહીને
શુદ્ધઅસ્તિત્વમાત્રરૂપે વર્તવું–તે જ તાત્પર્ય છે, તે જ મોક્ષમાર્ગ છે.
(પ્રવચનસાર ગા. ૨૧૪)