ભગવાન ! જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પદવી સર્વોત્કૃષ્ટ
મોક્ષરૂપ સુખ આપનાર છે તે મેં હજી સુધી પ્રાપ્ત કરી નથી; તેથી
વિનયપૂર્વક પ્રાર્થના છે કે કૃપા કરી મને સમ્યક્દર્શન, સમ્યગ્જ્ઞાન
અને સમ્યક્ચારિત્રરૂપે પદવીનું પૂર્ણતયા પ્રદાન કરો.
ભગવાને (-વીરનંદી ગુરુએ) પોતાના પ્રસન્નચિત્તથી સર્વોચ્ચ
પદવીની પ્રાપ્તિ અર્થે મારા ચિત્તમાં ઉપદેશની જે જમાવટ કરી
છે અર્થાત્ ઉપદેશ દીધો છે, તે ઉપદેશ પાસે ક્ષણમાત્રમાં
વિનાશી એવું પૃથ્વીનું રાજ્ય મને પ્રિય નથી. તે વાત તો દૂર
રહી, પરંતુ હે પ્રભો ! હે જિનેશ ! તે ઉપદેશ પાસે ત્રણ
લોકનું રાજ્ય પણ મને પ્રિય નથી.
હે પ્રભો ! શ્રી વીરનાથ ભગવાને (-વીરનંદી ગુરુએ)
પ્રસન્નચિત્તે મને જે ઉપદેશ આપ્યો છે તે ઉપદેશ પ્રત્યેના પ્રેમ
પાસે આ બંને વાતો મને ઇષ્ટ લાગતી નથી, તેથી હું આવા
ઉપદેશનો જ પ્રેમી છું.