શુભનો વ્યવહાર પણ અસાર છે, તેમાં રોકાવા જેવું નથી. કોઈ માણસ નગરનું ધ્યેય બાંધી ચાલવા માંડે તો વચ્ચે વચ્ચે ગામ, ખેતર, ઝાડ, બધું આવે, પણ તે બધું છોડતો જાય છે; તેમ સાધકને આ શુભાદિનો વ્યવહાર વચ્ચે આવે પણ સાધ્ય તો પૂર્ણ શુદ્ધાત્મા જ છે. માટે તે વ્યવહારને છોડતો પૂર્ણ શુદ્ધાત્મસ્વરૂપમાં જ પહોંચી જાય છે. ૨૩૯.
અરે જીવ! અનંત અનંત કાળ વીત્યો, તેં પરનું તો કોઈ દિવસ કંઈ કર્યું જ નથી; અંદરમાં શુભાશુભ વિકલ્પો કરીને જન્મ-મરણ કર્યાં. હવે અનંત ગુણનો પિંડ એવો જે નિજ શુદ્ધાત્મા તેને બરાબર સમજી, તેમાં જ તીક્ષ્ણ દ્રષ્ટિ કરી, પ્રયાણ કર; તેનું જ શ્રદ્ધાન, તેની અનુભૂતિ, તેમાં જ વિશ્રામ કર. ૨૪૦.
ઓહો! આ તો ભગવાન આત્મા! સર્વાંગે સહજાનંદની મૂર્તિ! જ્યાંથી જુઓ ત્યાં આનંદ, આનંદ ને આનંદ. જેમ સાકરમાં સર્વાંગે ગળપણ તેમ આત્મામાં સર્વાંગે આનંદ. ૨૪૧.