બહેનશ્રીનાં વચનામૃત
૮૯
સાધના કરનારને કોઈ સ્પૃહા હોતી નથી. મારે બીજું
કંઈ જોઈતું નથી, એક આત્મા જ જોઈએ છે. આ ક્ષણે
વીતરાગતા થતી હોય તો બીજું કંઈ જ નથી જોઈતું; પણ
અંદર રહેવાતું નથી, માટે બહાર આવવું પડે છે. અત્યારે
કેવળજ્ઞાન થતું હોય તો બહાર જ ન આવીએ. ૨૬૩.
✽
તારા ચિત્તમાં બીજો રંગ સમાયેલો છે, ત્યાં સુધી
આત્માનો રંગ લાગી શકતો નથી. બહારનો બધો રસ
છૂટી જાય તો આત્મા — જ્ઞાયકદેવ પ્રગટ થાય છે. જેને
ગુણરત્નોથી ગૂંથાયેલો આત્મા મળી જાય, તેને આ તુચ્છ
વિભાવોથી શું પ્રયોજન? ૨૬૪.
✽
આત્મા જાણનાર છે, સદાય જાગૃતસ્વરૂપ જ છે.
જાગૃતસ્વરૂપ એવા આત્માને ઓળખે તો પર્યાયમાં પણ
જાગૃતિ પ્રગટે. આત્મા જાગતી જ્યોત છે, તેને
જાણ. ૨૬૫.
✽
જો તારે જન્મ-મરણનો નાશ કરી આત્માનું કલ્યાણ
કરવું હોય તો આ ચૈતન્યભૂમિમાં ઊભો રહીને તું પુરુષાર્થ
કર; તારાં જન્મ-મરણનો નાશ થઈ જશે. આચાર્યદેવ