૯૦
કરુણાથી કહે છેઃ તું મુક્તસ્વરૂપ આત્મામાં નિઃસ્પૃહપણે ઊભો રહે. મોક્ષની સ્પૃહા અને ચિંતાથી પણ મુક્ત થા. તું સ્વયમેવ સુખરૂપ થઈ જઈશ. તારા સુખને માટે અમે આ માર્ગ દેખાડીએ છીએ. બહાર ફાંફાં મારવાથી સુખ નહિ મળે. ૨૬૬.
જ્ઞાની દ્રવ્યના આલંબનના બળે, જ્ઞાનમાં નિશ્ચય- વ્યવહારની મૈત્રીપૂર્વક, આગળ વધતો જાય છે અને ચૈતન્ય પોતે પોતાની અદ્ભુતતામાં સમાઈ જાય છે. ૨૬૭.
બહારના રોગ આત્માની સાધક દશાને રોકી શકતા નથી, આત્માની જ્ઞાતાધારાને તોડી શકતા નથી. પુદ્ગલપરિણતિરૂપ ઉપસર્ગ કંઈ આત્મપરિણતિને ફેરવી શકે નહિ. ૨૬૮.
અહો! દેવ-શાસ્ત્ર-ગુરુ મંગળ છે, ઉપકારી છે. આપણને તો દેવ-શાસ્ત્ર-ગુરુનું દાસત્વ જોઈએ છે.
પૂજ્ય કહાનગુરુદેવથી તો મુક્તિનો માર્ગ મળ્યો છે. તેઓશ્રીએ ચારે બાજુથી મુક્તિનો માર્ગ પ્રકાશ્યો છે. ગુરુદેવનો અપાર ઉપકાર છે. તે ઉપકાર કેમ ભુલાય?