બહેનશ્રીનાં વચનામૃત
૯૧
ગુરુદેવનું દ્રવ્ય તો અલૌકિક છે. તેમનું શ્રુતજ્ઞાન અને
વાણી આશ્ચર્યકારી છે.
પરમ-ઉપકારી ગુરુદેવનું દ્રવ્ય મંગળ છે, તેમની
અમૃતમય વાણી મંગળ છે. તેઓશ્રી મંગળમૂર્તિ છે,
ભવોદધિતારણહાર છે, મહિમાવંત ગુણોથી ભરેલા છે.
પૂજ્ય ગુરુદેવનાં ચરણકમળની ભક્તિ અને તેમનું
દાસત્વ નિરંતર હો. ૨૬૯.
✽
પોતાની જિજ્ઞાસા જ માર્ગ કરે છે. શાસ્ત્રો સાધન છે,
પણ માર્ગ તો પોતાથી જ જણાય છે. પોતાની ઊંડી તીવ્ર
રુચિ અને સૂક્ષ્મ ઉપયોગથી માર્ગ જણાય છે. કારણ
આપવું જોઈએ. ૨૭૦.
✽
જેનો જેને તન્મયપણે રસ હોય તેને તે ભૂલે નહીં.
‘આ શરીર તે હું’ તે ભૂલતો નથી. ઊંઘમાં પણ શરીરના
નામથી બોલાવે તો જવાબ આપે છે, કારણ કે શરીર
સાથે તન્મયપણાની માન્યતાનો અનાદિ અભ્યાસ છે.
અનભ્યસ્ત જ્ઞાયકની અંદર જવા માટે સૂક્ષ્મ થવું પડે છે,
ધીરા થવું પડે છે, ટકવું પડે છે; તે આકરું લાગે છે.
બહારનાં કાર્યોનો અભ્યાસ છે એટલે સહેલાં લાગે છે.