તેને બહાર આવવું ગમતું જ નથી. સ્વભાવ શાન્તિ અને નિવૃત્તિરૂપ છે, શુભાશુભ વિભાવભાવોમાં આકુળતા અને પ્રવૃત્તિ છે; તે બન્નેને મેળ ન જ ખાય. ૨૮૦.
બહારનાં બધાં કાર્યમાં સીમા — મર્યાદા હોય. અમર્યાદિત તો અન્તર્જ્ઞાન અને આનંદ છે. ત્યાં સીમા — મર્યાદા નથી. અંદરમાં — સ્વભાવમાં મર્યાદા હોય નહિ. જીવને અનાદિ કાળથી જે બાહ્ય વૃત્તિ છે તેની જો મર્યાદા ન હોય તો તો જીવ કદી પાછો જ ન વળે, બાહ્યમાં જ સદા રોકાઈ જાય. અમર્યાદિત તો આત્મસ્વભાવ જ છે. આત્મા અગાધ શક્તિનો ભરેલો છે. ૨૮૧.
આ જે બહારનો લોક છે તેનાથી ચૈતન્યલોક જુદો જ છે. બહારમાં માણસો દેખે કે ‘આણે આમ કર્યું, આમ કર્યું,’ પણ અંદરમાં જ્ઞાની ક્યાં રહે છે, શું કરે છે, તે જ્ઞાની પોતે જ જાણે છે. બહારથી જોનાર માણસોને જ્ઞાની બહારમાં કાંઈક ક્રિયાઓ કરતા કે વિકલ્પોમાં જોડાતા દેખાય, પણ અંદરમાં તો તેઓ ક્યાંય ઊંડે ચૈતન્યલોકમાં વિચરતા હોય છે. ૨૮૨.