૯૬
દ્રવ્ય તો અનંત શક્તિનો ધણી છે, મહાન છે, પ્રભુ છે. તેની પાસે સાધકની પર્યાય પોતાની પામરતા સ્વીકારે છે. સાધકને દ્રવ્ય-પર્યાયમાં પ્રભુતા અને પામરતાનો આવો વિવેક વર્તે છે. ૨૮૩.
સાધકદશા તો અધૂરી છે. સાધકને જ્યાં સુધી પૂર્ણ વીતરાગતા ન થાય, અને ચૈતન્ય આનંદધામમાં પૂર્ણપણે સદાને માટે બિરાજમાન ન થાય, ત્યાં સુધી પુરુષાર્થનો દોર તો ઉગ્ર જ થતો જાય છે. કેવળજ્ઞાન થતાં એક સમયનો ઉપયોગ થાય છે અને તે એક સમયની જ્ઞાનપર્યાય ત્રણ કાળ અને ત્રણ લોકને પહોંચી વળે છે. ૨૮૪.
પોતે પરથી ને વિભાવથી જુદાપણાનો વિચાર કરવો. એકતાબુદ્ધિ તોડવી તે મુખ્ય છે. એકત્વ તોડવાનો ક્ષણે ક્ષણે અભ્યાસ કરવો. ૨૮૫.
આ તો અનાદિનો પ્રવાહ બદલવાનો છે. અઘરું કામ તો છે, પણ જાતે જ કરવાનું છે. બહારની હૂંફ શા કામની? હૂંફ તો પોતાના આત્મતત્ત્વની લેવાની છે. ૨૮૬.