બહેનશ્રીનાં વચનામૃત
૯૭
દ્રવ્ય સદા નિર્લેપ છે. પર્યાયમાં બધાથી નિર્લેપ રહેવા
જેવું છે. ક્યાંય ખેદાવું નહિ, ખેંચાવું નહિ — ક્યાંય ઝાઝો
રાગ કરવો નહિ. ૨૮૭.
✽
વસ્તુ સૂક્ષ્મ છે, ઉપયોગ સ્થૂલ થઈ ગયો છે. સૂક્ષ્મ
વસ્તુને પકડવા માટે સૂક્ષ્મ ઉપયોગનો પ્રયત્ન કર. ૨૮૮.
✽
ચૈતન્યની ઊંડી ભાવના તો અન્ય ભવમાં પણ
ચૈતન્યની સાથે જ આવે છે. આત્મા તો શાશ્વત પદાર્થ
છે ને? ઉપલક વિચારોમાં નહિ પણ અંદરમાં ઘોલન
કરીને તત્ત્વવિચારપૂર્વક ઊંડા સંસ્કાર નાખ્યા હશે તે સાથે
આવશે.
‘‘तत्प्रति प्रीतिचित्तेन येन वार्तापि हि श्रुता ।
निश्चितं स भवेद्भव्यो भाविनिर्वाणभाजनम् ।।’’
જે જીવે પ્રસન્ન ચિત્તથી આ ચૈતન્યસ્વરૂપ આત્માની
વાત પણ સાંભળી છે, તે ભવ્ય પુરુષ ભવિષ્યમાં થનારી
મુક્તિનું અવશ્ય ભાજન થાય છે. ૨૮૯.
✽
આત્મા જ્ઞાનપ્રધાન અનંત ગુણનો પિંડ છે. તેની સાથે
અંદરમાં તન્મયતા કરવી તે જ કરવાનું છે. વસ્તુસ્વરૂપ